<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

રાજ્‍યમાં કાતિલ ઠંડીને બ્રેક લાગીઃ નલિયા સિવાય તમામ શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો

રાજકોટમાં ૧૫ ડીગ્રીઃ એક જ દિવસમાં ૫ ડિગ્રીનો ઉછાળો મોસમની પેટર્ન અને પવનની દિશા બદલાતા ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં ઉછાળો આવ્‍યો

રાજકોટઃ આજે તા. ૩૦ જાન્‍યુઆરીની વહેલી સવારે રાજ્‍યભરના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્‍યો છે. ઉત્તર ભારતમાં આકાર લઈ રહેલી મૌસમની નવી સિસ્‍ટમ્‍સના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીમાં બ્રેક વાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ, કચ્‍છના નલિયા સિવાય રાજ્‍યના લગભગ તમામ મુખ્‍ય શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતા લોકોને ઠંડીથી મોટી રાહત મળી છે.

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં તાપમાનના પારામાં અચાનક મોટો ઉછાળો આવ્‍યો છે. અહીં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં સીધો ૫ ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેના કારણે પારો ૧૫ ડિગ્રી સેલ્‍સિયસ પર પહોંચી ગયો છે. શહેર મુજબ તાપમાનની વિગત

આજે સવારે નોંધાયેલા સત્તાવાર આંકડા મુજબ રાજ્‍યના વિવિધ શહેરોની સ્‍થિતિ નીચે મુજબ છે

નલિયાઃ ૮.૬ ડિગ્રી (રાજ્‍યનું સૌથી ઠંડુ મથક), ડીસાઃ ૧૧.૮ ડિગ્રી, ભુજઃ ૧૨.૬ ડિગ્રી, પોરબંદરઃ ૧૨.૮ ડિગ્રી, દ્વારકાઃ ૧૫.૮ ડિગ્રી, અમદાવાદઃ ૧૫.૯ ડિગ્રી, વડોદરાઃ ૧૬.૮ ડિગ્રી, વેરાવળઃ ૧૮.૭ ડિગ્રી, સુરતઃ ૨૦ ડિગ્રી

હવામાન વિભાગના અહેવાલો મુજબ, ઉત્તર ભારતમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિય થઈ રહ્યું છે. દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારોમાં ૩૧ જાન્‍યુઆરીથી ૨ ફેબ્રુઆરી દરમિયાન વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

મૌસમની આ પેટર્ન બદલાવાને કારણે અને પવનની દિશામાં ફેરફાર થવાથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઊંચકાયું છે અને ઠંડીનું જોર ઘટ્‍યું છે. જોકે, નલિયામાં હજુ પણ કાતિલ ઠંડીનો ચમકારો યથાવત છે.

(12:05 PM IST)