<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે પૂરતો સ્‍ટાફ જ નથી

પ્રદૂષણ સામે એક્‍શન પ્‍લાનની વાતો પણ : ‘કેગ' દ્વારા ભૂતકાળમાં ગંભીર નોંધ લેવાઇ હોવા છતાં વન-પર્યાવરણ વિભાગની બેદરકારી યથાવત્‌

ગાંધીનગર  તા.૩૧: રાજ્‍યમાં હવા-પાણી અને જમીનના પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે તેના કારણે સરકારે પ્રદૂષણ નિવારવા માટે એક્‍શન પ્‍લાનની જાહેરાત કરી છે, પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જ તેનું પાલન કરાવવા માટે વૈજ્ઞાનિકો સહિત પૂરતા અધિકારી-કર્મચારીઓ જ નથી ત્‍યારે તે કાગળ ઉપર જ રહે તેવી સંભાવના જોવાઇ રહી છે. ‘કેગ' દ્વારા પણ ભૂતકાળમાં ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)માં માનવ સંસાધનના અભાવે કામગીરી નબળી હોવાની ગંભીર નોંધ લેવાયેલી છે.

રાજ્‍યમાં દિન પ્રતિદિન નદીઓના પાણીથી લઇને પ્રદૂષણની સ્‍થિતિ બગડી રહી છે ત્‍યારે વન અને પર્યાવરણ વિભાગની પૂરતી સજ્જતા નહીં હોવાની સ્‍થિતિ છતી થઇ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પર્યાવરણ મિત્ર સંસ્‍થા દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા મુજબ, GPCBના વાર્ષિક અહેવાલમાં રજૂ કરાયેલી વિગતો મુજબ માર્ચ-૨૦૨૫ની સ્‍થિતિએ ૮૬૬ના મંજૂર મહેકમ સામે ૩૦૪ જગ્‍યા જ ભરાયેલી છે અને ૫૬૨ જગ્‍યા ખાલી છે. પર્યાવરણીય ઇજનેર અને સંસ્‍થાના અગ્રણી મહેશ પંડ્‍યાના જણાવ્‍યા મુજબ, ગુજરાત ઔદ્યોગિક રાજ્‍ય હોવાથી હજ્‍જારો એકમો અને બાંધકામ સાઇટ ઉપર પણ પર્યાવરણીય નિયમોનું પાલન કરાવાની જવાબદારી GPCBની છે. રાજ્‍યની હોસ્‍પિટલોમાં બાયો મેડિકલ વેસ્‍ટનું મેનેજમેન્‍ટ પણ તેના થકી થાય છે. તેમાં હવે ઇ-વેસ્‍ટ, બેટરી વેસ્‍ટ, સીવેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ સહિત અનેક બાબતોનો ઉમેરો થયો છે. તે સંજોગોમાં GPCBમાં આ કામગીરી સાથે સીધા સંકળાયેલા ૧૮૮ મદદનીશ પર્યાવરણ ઇજનેરોની સંખ્‍યા ખાલી હતી. એટલું જ નહીં, વૈજ્ઞાનિક અધિકારીની ૧૪, પર્યાવરણ ઇજનેર ૧૫, વહીવટી અધિકારીઓ અને સિનિયર વૈજ્ઞાનિક મદદનીશની જગ્‍યા પણ ૧૬૯ ખાલી છે. તે ઉપરાંત અનેક જગ્‍યાઓ ખાલી હોવાથી GPCBની કામગીરીના અધિકારી-કર્મચારીઓ પણ માનસિક તણાવ અનુભવતા હોય છે. કેટલાકે સ્‍વૈચ્‍છિક નિવૃતિ પણ લઇ લીધી છે

લેખિત રજૂઆતમાં વધુમાં જણાવ્‍યા મુજબ, ‘કેગ'ના હવા પ્રદૂષણ નિયંત્રણ અંગેના પરફોર્મન્‍સ ઓડિટ રિપોર્ટ-૨૦૨૨ મુજબGPCBમાં અધિકારી-કર્મચારીઓ નહીં હોવાથી તેની કામગીરી નબળી હોવાની ટિપ્‍પણી કરાયેલી છે, તેમ છતાં ૨૦૨૫ના વર્ષમાં પણ કોઇ ફરક પડ્‍યો નથી. કામગીરી નબળી પડતા હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્‍યૂનલમાં પ્રદૂષણ અંગેના કેસોનો ભરાવો થાય છે. અધિકારીઓને તેમાં પણ રોકાવું પડે છે અને સરવાળે GPCBની છાપ લોકોમાં ખરડાયેલી રહે છે. ગુજરાતમાં પર્યાવરણની સ્‍થિતિ આગામી સમયમાં સુધરે તે માટે તાત્‍કાલિક ધોરણે GPCBમાં હાલની સ્‍થિતિએ જરૂરી મહેકમ ભરવા માટે પણ તેમાં માગણી કરાઇ છે.

 

(9:58 AM IST)