News of Saturday, 31st January 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી PSI ભરતીનું મહત્વનું અપડેટ : દસ્તાવેજ ચકાસણી માટે 1023 ઉમેદવારો ક્વોલિફાઈડ : કરાઈ એકેડમી ખાતે યોજાશે પ્રક્રિયા
વર્ષ 2024-25ની 432 જગ્યાઓ માટે લેવાયેલી મુખ્ય પરીક્ષા બાદ મેરિટ લિસ્ટ જાહેર : 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન : ઉમેદવારો 2 ફેબ્રુઆરીથી OJAS પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે

રાજકોટ, તા. 31 જાન્યુઆરી : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ભરતી પ્રક્રિયા અંતર્ગત એક મહત્વની પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024-25 માં કુલ 432 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 અન્વયે હવે દસ્તાવેજ ચકાસણીનો અંતિમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે.
પરીક્ષાનું પરિણામ અને મેરિટની વિગતો
ભરતી બોર્ડ દ્વારા જણાવ્યા અનુસાર, શારીરિક કસોટીમાં પાસ થયેલા કુલ 1,02,635 ઉમેદવારોની લેખિત પરીક્ષા (પેપર-1 અને પેપર-2) તારીખ 13.04.2025 ના રોજ લેવામાં આવી હતી. જે પૈકી પેપર-1 ના Part-A અને Part-B માં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવનાર 49,591 ઉમેદવારોના પેપર-2 (વર્ણનાત્મક) તપાસવામાં આવ્યા હતા. આ પેપર-2 માં પણ 40 ટકાથી વધુ ગુણ મેળવનાર કુલ 8,679 ઉમેદવારો ક્વોલિફાઈડ જાહેર થયા હતા.
1023 ઉમેદવારોની પસંદગી
નિયમ મુજબ ખાલી જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને બોલાવવાના હોવાથી, મેરિટના આધારે કુલ 1,023 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે પસંદ કરવામાં આવ્યા છે. આ લાયક ઉમેદવારોની યાદી તારીખ 29.01.2026 ના રોજ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.
દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ
* સ્થળ: ગુજરાત પોલીસ એકાદમી, કરાઈ, જી. ગાંધીનગર.
* તારીખ: 05.02.2026 થી 10.02.2026 દરમિયાન.
* કોલ લેટર: ઉમેદવારો તારીખ 02.02.2026 ના રોજ બપોરે 14:00 કલાકથી OJAS ની વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
અનામત જાતિના ઉમેદવારોએ 29.01.2026 ના રોજ વેબસાઇટ પર મુકાયેલી સૂચના મુજબ જરૂરી તમામ અસલ દસ્તાવેજો ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે. આ ભરતી પ્રક્રિયાના આગામી અપડેટ્સ માટે ઉમેદવારોને સતત વેબસાઇટ જોતા રહેવા વિનંતી કરવામાં આવી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
