<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

છોટાઉદેપુર જિલ્લામાં ખનિજ માફિયા પર તવાઈ :બનાવટી ડિલિવરી ચલણ સાથે ડોલોમાઇટ પાવડર ભરેલી બે ટ્રક ઝડપાઇ

ગોલા ગામડી ખાણ ખનિજ ચેકપોસ્ટ પરથી ખોટા અને બનાવટી ડિલિવરી ચલણ સાથે ડોલોમાઇટ પાવડર ભરેલી બે ટ્રક ઝડપી : બંને ટ્રક ડ્રાઈવરો સહિત ચાર વ્યક્તિઓ સામે સંખેડા પોલીસ મથકે ગુનો નોંધ્યો

 છોટાઉદેપુર જિલ્લામાં ખનિજ માફિયા વિરુદ્ધ ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. ગોલા ગામડી ખાણ ખનિજ ચેકપોસ્ટ પરથી ખોટા અને બનાવટી ડિલિવરી ચલણ સાથે ડોલોમાઇટ પાવડર ભરેલી બે ટ્રક ઝડપી પાડવામાં આવી છે. આ મામલે બંને ટ્રક ડ્રાઈવરો સહિત ચાર વ્યક્તિઓ સામે સંખેડા પોલીસ મથકે ગુનો નોંધાઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લો ડોલોમાઇટ અને રેતી જેવા ખનિજ સંપત્તિ માટે પ્રખ્યાત છે અને અહીં આ ઉદ્યોગ મોટા પાયે ચાલે છે. પરંતુ કેટલાક ખનિજ માફિયાઓ રાતોરાત અમીર બનવાના લાલચમાં ગેરકાયદેસર રસ્તા અપનાવી રહ્યા છે. ખોટા અને બનાવટી ડિલિવરી ચલણનો ઉપયોગ કરીને ખનિજનું ગેરકાયદેસર વેચાણ અને પરિવહન કરવામાં આવી રહ્યું છે. આવો જ એક બનાવ ગોલા ગામડી ચેકપોસ્ટ પર સામે આવ્યો છે.

છોટાઉદેપુરથી ડોલોમાઇટ પાવડર ભરીને નીકળેલી ટ્રક નંબર GJ-09-Y-7940 અને GJ-34-T-5551ને ગોલા ગામડી ચેકપોસ્ટ પર ચેકિંગ માટે રોકવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન બંને ટ્રકના ડ્રાઈવરોએ ડિલિવરી ચલણ રજૂ કર્યા હતા. એક ટ્રકનું ચલણ પૂજા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અને બીજી ટ્રકનું ચલણ લકુલેશ ગ્રાઇન્ડીંગ ઇન્ડસ્ટ્રીઝ, છોટાઉદેપુર દ્વારા ઇસ્યૂ કરાયેલું દર્શાવવામાં આવ્યું હતું.

ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ બંને ચલણને GEOMINE એપ્લિકેશનમાં ચકાસણી કરતા તે ખોટા અને બનાવટી હોવાનું સામે આવ્યું. આના આધારે વિભાગે બંને ટ્રક જપ્ત કરી અને ટ્રક ડ્રાઈવર ઈનોશભાઈ અરવિનભાઈ રાઠવા (રહે. જામલા, તા.જી. છોટાઉદેપુર) અને નરેશભાઈ કાગડાભાઈ રાઠવા (રહે. છોટાઉદેપુર)ની પૂછપરછ હાથ ધરી.

પૂછપરછ દરમિયાન ડ્રાઈવર ઈનોશભાઈએ જણાવ્યું કે ડોલોમાઇટ ભાનુ મિનરલ્સમાંથી ભરી લાવવામાં આવ્યું હતું, જેનું સંચાલન માનવ અજમેરા દ્વારા થાય છે. બીજા ડ્રાઈવર નરેશ રાઠવાએ જણાવ્યું કે ડોલોમાઇટ એપેક્સ ઓવરસિઝમાંથી ભરવામાં આવ્યું હતું, જેનું સંચાલન અશોક અજમેરા અને માનવ અજમેરા દ્વારા થાય છે.

 

(12:02 AM IST)