<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

કુડસદનો 'કેમિકલ બળવો': જીવલેણ પ્રદૂષણથી કંટાળી ગ્રામજનોએ કાયદો હાથમાં લીધો, ઝેર ઓકતી GIDCની ગટરોમાં પથ્થરો પૂરીને કરી દીધી બંધ

ભ્રષ્ટ તંત્ર અને GPCBની ઊંઘ ઉડાડતું જનઆંદોલન: ઘોડા ખાડી બની 'ઝેરની ખાડી', હવામાં રહેલા કેમિકલથી હનુમાનજીની મૂર્તિ પણ કાળી પડી; કેન્સરના વધતા કેસ સામે આખરે ગ્રામજનોએ ઉગામ્યો 'દેશી ડંડો'

ઓલપાડ (સુરત): સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં આખરે 'ધીરજની કસોટી' પૂરી થઈ અને 'જનઆક્રોશનો જ્વાળામુખી' ફાટી નીકળ્યો છે. પીપોદરા અને કન્યાસી GIDCના ઉદ્યોગો દ્વારા છોડાતા ઝેરી કેમિકલયુક્ત પાણીએ ગામની જીવનરેખા સમાન ઘોડા ખાડીને "મૃત્યુની ખાડી"માં ફેરવી દીધી છે. વારંવારની રજૂઆતો પછી પણ જ્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) માત્ર કાગળ પર જ ઘોડા દોડાવતું રહ્યું, ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ જાતે જ મોરચો માંડી મુખ્ય ગટર લાઈનમાં માટી-પથ્થર (GSB) પૂરી તેને જડબેસલાક બ્લોક કરી દીધી છે.
ગામના લોકોનો આક્ષેપ છે કે GIDCના ઉદ્યોગપતિઓ રાતના અંધારામાં ચોરીછૂપીથી અંડરગ્રાઉન્ડ લાઈન મારફતે કેમિકલયુક્ત પાણી ખાડીમાં પધરાવી દેતા હતા. GPCBના અધિકારીઓ ઘટનાસ્થળે આવી માત્ર સેમ્પલ લેવાનો 'નાટક' કરીને જતા રહેતા, પરંતુ ઉદ્યોગો સામે કોઈ નક્કર કાર્યવાહી થતી નહોતી. પરિણામે, ગામમાં કેન્સર જેવા જીવલેણ રોગોએ ભરડો લીધો છે અને શુદ્ધ હવા-પાણી માટે તરસી રહેલા લોકોએ હવે આરપારની લડાઈના શ્રીગણેશ કર્યા છે.
પ્રદૂષણની આ ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગામના પવિત્ર રણછોડજી મંદિરમાં બિરાજમાન હનુમાનજીની મૂર્તિ પણ હવામાં ફેલાયેલા ઝેરી કેમિકલના કારણે કાળી પડી ગઈ છે. મૂર્તિનો બદલાયેલો રંગ ગ્રામજનોની આસ્થા પર થયેલો આઘાત છે અને લોકોમાં એવી લાગણી છે કે જો ભગવાન પણ સુરક્ષિત નથી, તો માણસનું શું? આ ઘટનાએ સમગ્ર ઓલપાડ પંથકમાં પ્રદૂષણ સામે ચાલી રહેલી સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે.
ગ્રામજનોએ હવે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તંત્ર કાયમી ઉકેલ નહીં લાવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. ગટર બ્લોક કરવાથી હવે ઉદ્યોગોનું પાણી બેક મારશે, જેની જવાબદારી તંત્રની રહેશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસતા GPCBના અધિકારીઓ આ જનબળવા પછી જાગશે કે પછી હજુ પણ પ્રદૂષણ માફિયાઓને રક્ષણ આપતા રહેશે?

(11:14 AM IST)