<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ગોલ્ડન બ્રિજ પર સેલ્ફી લેવી પડી ભારે: નર્મદાના નીરમાં બહેનનો જીવ બચાવવા કૂદેલો લાડકવાયો ભાઈ લાપતા!

એક પળની બેદરકારી અને આખું ઘર માતમમાં ફેરવાયું; નર્મદાના તોફાની વહેણમાં બહેનને તો જિંદગી મળી, પણ રક્ષક બનીને કૂદેલો ભાઈ પાણીના રેલામાં ખોવાયો!

ભરૂચ/અંકલેશ્વર:કુદરતના ખોળે ફરવા નીકળેલા એક પરિવારની ખુશીઓ મિનિટોમાં આક્રંદમાં ફેરવાઈ ગઈ છે. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પરથી નર્મદા મૈયાના નયનરમ્ય દ્રશ્યોને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ એક ભાઈ-બહેન માટે કાળમુખો સાબિત થયો છે. સુરતના પુનગામથી ભરૂચ ફરવા આવેલા ભાઈ નયન અને બહેન કિરણ જ્યારે બ્રિજ પર ફોટા પાડી રહ્યા હતા, ત્યારે અચાનક કિરણનો પગ લપસતા તે ઉછળતી નર્મદાના ઉંડા પાણીમાં ખાબકી હતી. બહેનને નજર સામે ડૂબતી જોઈ કાળજાનો કટકો એવો ભાઈ નયન ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની જિંદગીની પરવા કર્યા વિના તેને બચાવવા પાણીમાં કૂદી પડ્યો હતો.

કમનસીબી એવી સર્જાઈ કે સ્થાનિક લોકોની મદદથી બહેન કિરણને તો સહીસલામત બહાર કાઢી લેવામાં આવી, પરંતુ બહેનનો રક્ષક બનેલો ભાઈ નયન નદીના પ્રચંડ પ્રવાહ સામે ટકી શક્યો નહીં અને પાણીના મોજામાં ક્યાંક ગુમ થઈ ગયો. હાલ ભરૂચ અને અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમો, તરવૈયાઓ અને બોટની મદદથી નદીના પટમાં નયનની શોધખોળ કરી રહી છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે નર્મદા અત્યારે ગોલ્ડન બ્રિજ પાસે ૨૪ ફૂટની ભયજનક સપાટીની નજીક વહી રહી છે, જેને કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે.

આ ઘટનાએ વહીવટી તંત્રને પણ દોડતું કરી દીધું છે. અંકલેશ્વરના ૧૪ ગામોને હાઈ-એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને NDRFની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કિનારે ઉભેલા પરિવારજનોની આંખોમાં હવે માત્ર એક જ આશા છે કે નયન હેમખેમ પાછો આવે, પરંતુ પાણીનું રૌદ્ર સ્વરૂપ કંઈક અલગ જ સંકેત આપી રહ્યું છે. આ હૃદયદ્રાવક કિસ્સો એ તમામ સહેલાણીઓ માટે એક લાલબત્તી સમાન છે જેઓ જોખમી સ્થળોએ ફોટા કે સેલ્ફી લેવા માટે પોતાની અને પોતાના સ્વજનોની જિંદગી દાવ પર લગાવે છે.

(2:25 PM IST)