<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

સાબરકાંઠામાં અગ્નિતાંડવ: BMD ફેક્ટરીમાં લાગેલી વિકરાળ આગને ઓલવવા ૫ લાખ લિટર ફોમનો મારો, ૭ કલાક સુધી આભમાં ઉછળ્યા અગનગોળા!

૨૬૦ કામદારોના જીવ તાળવે ચોંટ્યા: હિંમતનગરના હાથરોલમાં લેધર સીટ કવરની કંપની ભસ્મીભૂત; કરોડોનું નુકસાન, પણ ૧૫ ફાયર ફાઈટરોની જંગ બાદ જાનહાનિ ટળી

હિંમતનગર (સાબરકાંઠા): સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હાથરોલ ગામની સીમમાં ગત રાત્રે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. પ્રખ્યાત લેધર સીટ કવર બનાવતી BMD કંપનીમાં અચાનક લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આકાશ કાળા ધુમાડાના ગોટાથી ભરાઈ ગયું હતું. આગ એટલી પ્રચંડ હતી કે વહીવટી તંત્ર દ્વારા તત્કાલ 'મેજર કોલ' જાહેર કરવો પડ્યો હતો. એક એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ ફેક્ટરીમાં પ્લાસ્ટિક, કેમિકલ અને લેધરનો જથ્થો હોવાથી આગે રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે હિંમતનગર જ નહીં પણ આસપાસના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ફાયર ટીમોને પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું.

આગ ઓલવવાની કામગીરી કોઈ યુદ્ધથી ઓછી નહોતી. ફેક્ટરીની અંદર બોઈલર અને ભારે મશીનરી હોવાથી બ્લાસ્ટ થવાનો સતત ડર ફેલાયેલો હતો. સતત ૭ કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં ૧૫થી વધુ ફાયર ફાઈટરોએ અવિરત પાણીનો મારો ચલાવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, માત્ર પાણીથી આગ કાબૂમાં ન આવતા ફાયર બ્રિગેડે ૪ લાખ લિટર પાણીની સાથે અંદાજે ૫ લાખ લિટર ફોગ (કેમિકલ ફોમ) નો ઉપયોગ કરવો પડ્યો હતો. ફેક્ટરીની દિવાલો તોડીને અંદર પ્રવેશવા માટે જેસીબી મશીનોની પણ મદદ લેવામાં આવી હતી. રાત્રે ૪ વાગ્યાની આસપાસ જ્યારે આગ કાબૂમાં આવી, ત્યારે ફેક્ટરીનો કરોડોનો માલ સામાન રાખમાં ફેરવાઈ ચૂક્યો હતો.

આ ભયાનક દુર્ઘટનામાં સૌથી ચમત્કારિક અને રાહતની વાત એ રહી કે, જે સમયે આગ ફાટી નીકળી ત્યારે ફેક્ટરીમાં ૨૬૦થી વધુ કામદારો ફરજ પર હતા. સુરક્ષા પ્રોટોકોલ અને તંત્રની સતર્કતાને કારણે તમામ કામદારોને સમયસર સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટના સ્થળે પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતનો કાફલો ખડેપગે રહ્યો હતો. હાલમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન છે, પરંતુ એફએસએલ (FSL) ની ટીમ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:32 PM IST)