News of Sunday, 1st February 2026
વડોદરાના વિકાસનો 'માસ્ટર પ્લાન': કાલે રજૂ થશે મનપાનું બજેટ; શું વડોદરાવાસીઓ પર ઝીંકાશે નવો ટેક્સ કે મળશે મોટી રાહત?
ઈતિહાસમાં પહેલીવાર 'જનતાનું બજેટ': કમિશનર અરુણ મહેશ બાબુ નાગરિકોના સૂચનો સાથે રજૂ કરશે વર્ષ ૨૦૨૬-૨૭નું સરવૈયું; ગ્રીન સિટી અને સ્માર્ટ કનેક્ટિવિટી પર રહેશે વિશેષ ફોકસ

વડોદરા: કળા અને સંસ્કારની નગરી વડોદરા માટે આવતીકાલનો દિવસ અત્યંત મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવતીકાલે, ૩ ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. આ વખતે વડોદરા મહાનગરપાલિકા (VMC) એ એક ક્રાંતિકારી કદમ ઉઠાવતા 'પાર્ટિસિપેટરી બજેટ' એટલે કે 'જનભાગીદારી બજેટ' રજૂ કરવાની તૈયારી કરી છે. અત્યાર સુધી માત્ર અધિકારીઓ બંધ બારણે બજેટ તૈયાર કરતા હતા, પરંતુ આ વખતે વડોદરાના સામાન્ય નાગરિકો, NGO અને સોસાયટીઓના સૂચનોને પણ બજેટના પાયામાં રાખવામાં આવ્યા છે.
બજેટની જાહેરાત પહેલા મેયર પિન્કીબેન સોની અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલી હાઈ-લેવલ બેઠકમાં શહેરના સાંસદ અને ધારાસભ્યોએ જનતાની સમસ્યાઓનો ચિતાર રજૂ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતના બજેટમાં માત્ર રોડ-રસ્તા કે ડ્રેનેજ જ નહીં, પરંતુ વડોદરાને 'ગ્રીન અને ક્લીન સિટી' બનાવવા માટે જંગી જોગવાઈ કરવામાં આવી શકે છે. ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે યોગા સેન્ટર્સ, સિનિયર સિટીઝન પાર્ક અને આધુનિક લાઈબ્રેરીઓ જેવી સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા હલ કરવા માટે નવા ફ્લાયઓવર અને ડિજિટલ કનેક્ટિવિટીના મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે.
વડોદરાવાસીઓની નજર અત્યારે એ વાત પર ટકી છે કે, શું મહાનગરપાલિકા પાયાની સુવિધાઓ વધારવાના નામે મિલકત વેરો (પ્રોપર્ટી ટેક્સ) કે યુઝર ચાર્જીસમાં વધારો કરશે? જોકે, લોકપ્રતિનિધિઓના દબાણને જોતા પાલિકા તંત્ર ટેક્સ વધારવાને બદલે જનતાને આકર્ષક સુવિધાઓ આપીને ખુશ કરવાનો પ્રયાસ કરી શકે છે. વડોદરાના સર્વાંગી વિકાસ માટે આ બજેટ એક નવો રોડમેપ તૈયાર કરશે, જેમાં નાગરિકોના સંતોષના સ્તરને ઊંચું લઈ જવાની પ્રાથમિકતા રાખવામાં આવી છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
