<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટ 2026 વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘રિફોર્મ એક્સપ્રેસ’ સમાન, સર્વસમાવેશી અને સર્વસ્પર્શી - મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રતિક્રિયા : જુઓ વિડીયો

દાનકુની-સુરત ફ્રેઇટ કોરિડોર, કેમિકલ પાર્ક્સ અને લોથલ-ધોળાવીરાના વિકાસની જાહેરાતોથી ગુજરાતને મોટો ફાયદો થશે : કરદાતાઓની ભૂલને ગુનો નહીં પણ ‘ભૂલ’ ગણી દંડની જોગવાઈ કરવી તે સરાહનીય પગલું : ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સ્તંભો થશે મજબૂત

ગાંધીનગર : નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા સતત નવમી વારના કેન્દ્રીય બજેટને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સર્વસમાવેશી અને સર્વસ્પર્શી ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તૈયાર થયેલું આ બજેટ સામાન્ય લોકોને પ્રાધાન્ય આપતું અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતું બજેટ છે. કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (ગ્યાન) તથા દિવ્યાંગોના ઉત્થાન પર કેન્દ્રિત છે.
ગુજરાતના ઉદ્યોગો અને મેન્યુફેક્ચરિંગને મળશે નવી ગતિ
બજેટમાં ઉદ્યોગો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે કરવામાં આવેલી જાહેરાતોથી ગુજરાતના અર્થતંત્રને મોટો વેગ મળશે. મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગને ઝડપી લોજિસ્ટિક્સ સેવાઓ મળશે. આ ઉપરાંત, ટેક્સટાઇલ સેક્ટર માટેની 6 નવી યોજનાઓ, ત્રણ કેમિકલ પાર્ક્સ અને બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે જાહેર કરાયેલા 10 હજાર કરોડનો સીધો લાભ ગુજરાતને મળશે. એમ.એસ.એમ.ઇ. પર મૂકવામાં આવેલો ભાર લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
શહેરી વિકાસ અને પ્રવાસન ક્ષેત્રે મોટી જાહેરાતો
ગુજરાત મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂ કરવામાં દેશમાં અગ્રેસર છે ત્યારે બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે અપાયેલા પ્રોત્સાહનોનો લાભ રાજ્યની નગરપાલિકાઓને મળશે. ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયોન બનાવવાની જાહેરાતથી નાના શહેરોનો સુગ્રથિત વિકાસ થશે. પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે:
 * જામનગરના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે.
 * લોથલ અને ધોળાવીરાનો સમાવેશ દેશના 15 પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરિઝમ ડેવલપમેન્ટમાં કરાયો છે.
 * 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરિસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી સ્થાનિક રોજગારી વધશે.
કરદાતાઓનું સન્માન અને પ્રામાણિકતાને પ્રોત્સાહન
મુખ્યમંત્રીએ કરવેરાના નિયમોમાં કરાયેલા ફેરફારને આવકારતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા કરદાતાઓને વિકાસના ચાલક બળ ગણાવ્યા છે. આ બજેટમાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને હવે ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરવામાં આવી છે, જે પ્રામાણિક કરદાતાઓનું સન્માન વધારે છે.
સમગ્રતયા, ભુપેન્દ્રભાઈ પટેલે આ બજેટને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર અને કટિંગ એજ ટેકનોલોજી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતું અને સામાન્ય માનવીના કલ્યાણને સુનિશ્ચિત કરતું ગણાવ્યું છે.

(3:26 PM IST)