<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

"એકતા જ અજેય શક્તિ" :સમાજ એક થાય તો કોઈ લક્ષ્ય અટકાવી શકે નહીં:કોળી સમાજની મહાબેઠક્માં હીરાભાઈ સોલંકીનો ધ્રુજારો

જો સમાજના હિતોનું રક્ષણ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન છેડાશે :સંગઠનના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું હતું કે આ લડાઈ માત્ર કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ સમગ્ર કોળી સમાજના સન્માનની લડાઈ છે

ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્વની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠક એવા સમયે મળી છે જ્યારે બગદાણા વિવાદ અને નવનીત બળધિયા કેસને લઈને સમાજમાં ભારે રોષ અને જાગૃતિ જોવા મળી રહી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠકનો મુખ્ય એજન્ડા બગદાણા ખાતે સર્જાયેલ વિવાદ અને સમાજના યુવાનો સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો હતો. કારોબારીમાં ચર્ચા કરવામાં આવી હતી કે જો સમાજના હિતોનું રક્ષણ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે. સંગઠનના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું હતું કે આ લડાઈ માત્ર કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ સમગ્ર કોળી સમાજના સન્માનની લડાઈ છે.

.ધારાસભ્ય અને કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, "આજે જિલ્લા-જિલ્લામાંથી કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે તે સાબિત કરે છે કે કોળી સમાજ હવે જાગૃત થયો છે. નવનીત બાલધિયાનો કેસ તો માત્ર એક નિમિત્ત હતો, અસલી વાત ન્યાય અને અન્યાય વચ્ચેની લડાઈની છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે સમાજ એક થઈને મેદાનમાં ઉતરે છે, ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત તેને રોકી શકતી નથી. હીરાભાઈએ સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ ને રાષ્ટ્રીય યુવા પ્રમુખ બનાવવાની પણ જોરદાર અપીલ કરી હતી.

 

સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલએ પોતાના આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, "કોળી સમાજની એકતા જોઈને આપણી તાકાત આખા ગુજરાતને ખબર પડી ગઈ છે. નવનીત બાધિયા કેસમાં જે રીતે સમાજ એકત્રિત થયો, તેનાથી તપાસ કરી રહેલી એસ.આઈ.ટી (SIT) એ પણ સ્વીકારવું પડ્યું કે આ સમાજની તાકાત અપાર છે." તેમણે યુવાનોને સંગઠિત રહેવા આહવાન કર્યું હતું.

પૂર્વ પ્રમુખ અજીત પટેલએ ભૂતકાળના સંસ્મરણો તાજા કરતા જણાવ્યું હતું કે તેઓ 1980થી સમાજ માટે કાર્યરત છે. તેમણે રાજકારણ બાજુ પર મૂકીને સંગઠનને પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, "એક સમય હતો જ્યારે ભાવનગર માં માત્ર 2 ટિકિટ મળતી હતી, પરંતુ સંગઠનની શક્તિને કારણે અમે 11 ટિકિટો મેળવી અને અંતે 19 બેઠકો જીતીને બતાવી."

 

બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપએ ગુજરાતના યુવાનોના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, "કોળી સમાજનો ઇતિહાસ ભવ્ય છે, આપણે ભૂતકાળમાં રાજવંશો જેટલી તાકાત ધરાવતા હતા. આજે ફરી તે જ ગૌરવ પ્રાપ્ત કરવાનો સમય પાકી ગયો છે."

(7:03 PM IST)