News of Sunday, 1st February 2026
ગબ્બરની તળેટીમાં '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભક્તોમાં ઉત્સાહ : 'પરિક્રમા દોડ'માં 1012 જેટલા શ્રદ્ધાળુઓએ ભાગ લીધો
'51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026' ના બીજા દિવસે ભક્તિ સાથે યુવા શક્તિનો સંચાર : પરિક્રમા દોડ દ્વારા યુવા પેઢીમાં આદ્યશક્તિના ધામ પ્રત્યે શ્રદ્ધા વધે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત બને તેવો પ્રયાસ

યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરની તળેટીમાં આયોજિત '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026' ના બીજા દિવસે ભક્તિ સાથે યુવા શક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો. 51 શક્તિપીઠ પરિક્રમાનો મહિમા જન-જન સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા ભવ્ય 'પરિક્રમા દોડ' નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1012 જેટલા શ્રદ્ધાળુઓ અને રમતવીરોએ ભાગ લીધો હતો.
અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા આ દોડનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. પરિક્રમા દોડ દ્વારા યુવા પેઢીમાં આદ્યશક્તિના ધામ પ્રત્યે શ્રદ્ધા વધે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત બને તેવો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા થકી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનો મહિમા અને સંદેશ ગામેગામ પહોંચે તેને અનુલક્ષીને સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
- રૂટની લંબાઈ: 2.50 કિલોમીટર (નિયત પરિક્રમા પથ)
- કેટેગરી: કુલ ચાર વિભાગો (ઓપન, સરકારી કર્મચારીઓ, યુવકો અને યુવતીઓ)
- સહભાગીઓ: 1012 સ્પર્ધકો
આ સ્પર્ધા અંગે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, પરિક્રમા પથના 2.50 કિલોમીટરના નિયત રૂટ પર અલગ-અલગ ચાર કેટેગરીમાં દોડનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ઓપન કેટેગરી, સરકારી કર્મચારીઓ (એમ્પ્લોય), તેમજ યુવક (બોય્ઝ) અને યુવતીઓ (ગર્લ્સ) એમ ચાર વિભાગોમાં કુલ 1012 જેટલા સ્પર્ધકોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર દોડ દરમિયાન સ્પર્ધકોમાં અનેરો જોશ અને આસ્થા જોવા મળી હતી.
વિજેતાઓને રોકડ પુરસ્કાર અને સન્માન
- પ્રથમ ક્રમ: રૂ. 5,100 અને શિલ્ડ
- દ્વિતીય ક્રમ: રૂ. 3,100 અને શિલ્ડ
- તૃતીય ક્રમ: રૂ. 2,100 અને શિલ્ડ
- પરિક્રમા દોડ ઉપરાંત, મહોત્સવના બીજા દિવસે ગબ્બર ખાતે ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રા યોજાઈ હતી. શક્તિપીઠ સંકુલોમાં પવિત્ર 'શક્તિ યાગ' (યજ્ઞ) થી વાતાવરણ દિવ્ય બન્યું હતું. સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદ ગરબાની રમઝટમાં હજારો માઈભક્તો જોડાયા હતા.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
