<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી મહિલા પાસેથી રૂ.94.8 લાખનો હાઈડ્રોનિક ગાંજો ઝડપાયો

ચોકલેટ અને ખોરાકના પેકેટમાં છુપાવ્યો હતો ગાંજો : કુલ 9 પેકેટમાંથી અંદાજે 948 ગ્રામ હાઈડ્રોનિક ગાંજો મળ્યો

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નશીલા પદાર્થો સામે કસ્ટમ્સ વિભાગની કાર્યવાહી સતત યથાવત્ છે. તાજેતરમાં કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલી એક મહિલા મુસાફરને ઝડપી પાડી તેની પાસેથી મોટી માત્રામાં નશીલો પદાર્થ જપ્ત કર્યો છે.

કસ્ટમ્સ અધિકારીઓની તપાસ દરમિયાન મહિલા મુસાફરના સામાનમાંથી ચોકલેટ અને ખોરાકના કુલ 9 પેકેટ શંકાસ્પદ રીતે મળી આવ્યા હતા. તપાસ કરતાં આ પેકેટોમાં ગાંજો છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું. કુલ 9 પેકેટમાંથી અંદાજે 948 ગ્રામ હાઈડ્રોનિક ગાંજો મળ્યો હતો.

જપ્ત કરાયેલા નશીલા પદાર્થની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 94.8 લાખ આંકવામાં આવી છે. ફીલ્ડ ટેસ્ટ દરમિયાન આ પદાર્થ ગાંજો હોવાનું નિશ્ચિત થયું હતું.

કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી મહિલા મુસાફરની ધરપકડ કરી છે અને આ નેટવર્ક પાછળ કોણ સંકળાયેલું છે તેની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર સતત થતી આવી કાર્યવાહીથી નશીલા પદાર્થોના આંતરરાષ્ટ્રીય સ્મગ્લિંગ સામે કડક સંદેશો ગયો છે.

 

(7:08 PM IST)