<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

નોંધાયેલા સ્‍ટેમ્‍પ સહિત દસ્‍તાવેજોની કોપી ઓનલાઈન લેવા રૂ. ૧૦૦ની ફી

મહેસૂલ વિભાગનું પ્રોસેસિંગ ફી અંગે નોટિફિકેશન પ્રસિદ્ધ : નાગરિકોને કચેરીમાં રૂબરૂ જવું નહીં પડે, પાળાં દીઠ ૨૦ રૂપિયા ચાર્જમાંથી મુક્‍તિ

મિલકત નોંધણી- સબ રજિસ્‍ટ્રારની કચેરીઓમાં રૂબરૂ ગયા વગર ઘરે બેઠા, મોબાઈલમાંથી કોઈ પણ નોંધાયેલા દસ્‍તાવેજની કોપી ઉપલબ્‍ધ થઈ શકશે. તેના માટે રાજ્‍યના મહેસૂલ વિભાગે ૧૦૦ રૂપિયા પ્રોસેસિગ ચાર્જ નક્કી કર્યો છે. જેનું નોટિફિકેશન સોમવારે મોડી રાતે પ્રસિધ્‍ધ થતા નોંધાયેલા સ્‍ટેમ્‍પ- મિલકત સંબંધિત દસ્‍તાવેજોની ડિઝીટલ કોપી ઝડપથી હાથવગી થઈ શકશે.

ગુજરાતમાં મિલકત સંબંધિત અને નોંધાવામાં આવેલા કરાર સહિતના દસ્‍તાવેજોની કોપી મેળવવવી હોય તો હાલમાં નાગરીકોને સબ રજિસ્‍ટ્રાર કચેરીમાં રૂબરૂ જવુ પડે છે. ઓનલાઈન અરજી કર્યા પછી પણ નોંધાયેલા દસ્‍તાવેજની અધિકૃત નકલ માટે એક પાના દિઠ ૨૦ રૂપિયાનો ચાર્જ ચુકવવા પડે છે ! સામાન્‍યતઃ મિલકત કે કરાર સંબંધિત દસ્‍તાવેજોના પાનાની સંખ્‍યા ૧૨થી વધુ હોય છે. આથી, આવા દસ્‍તાવેજોના ડિજિટાઈઝેશન પેટે સબ રજિસ્‍ટ્રાર કચેરી દ્વારા એક પેજના ૨૦ રૂપિયા લેખે રૂ.૨૪૦થી વધારે રકમ વસુલવામા આવે છે. રાજ્‍યના મહેસૂલ વિભાગે નોંધાયેલા તમામ દસ્‍તાવેજો પહેલાથી જ ડિજિટલ ફોર્મેટ રહે અને ઓનલાઈન અરજી કર્યાથી નાગરીકોને મળી રહે તેના માટે AnyROR પોર્ટલ ઉપર ઈન્‍ડેક્‍સ-૨ની સાદી નકલ ઉપલબ્‍ધ કરાવી છે. જ્‍યારે IORA પોર્ટલ ઉપર તેની પ્રમાણિત નકલ ઉપલબ્‍ધ કરાવી છે. આ બંને પોર્ટલ ઉપરથી કોઈ પણ નાગરીક સોફટ કોપી મેળવી શકે તે માટે મહેસૂલ વિભાગે સોમવારે એક નોટિફિકેશન મારફતે રૂ.૧૦૦ની પ્રોસેસિગ ચાર્જ જાહેર કર્યો છે. આ ચાર્જથી નાગરીકોને ફિજિકલ કોપી માટે પેજદિઠ રૂપિયા ૨૦ ચુકવવામાંથી મુક્‍તિ મળશે. તે સિવાય કચેરીમાં રૂબરૂ જવાની ઝંઝટમાંથી પણ રાહત થશે. ઉલ્‍લેખનિય છે કે, આવી ફેસલેસ સર્વિસથી સબ રજિસ્‍ટ્રાર કચેરીઓ ઉપરનું ભારણ ઘટશે.

(3:56 PM IST)