તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
વડોદરામાં માત્ર 150 રૂપિયાની લેતી-દેતી બાબતે હુમલાખોરોએ ચાકુ કાઢી પર જીવલેણ ઘા ઝીંક્યા
કાર્તિક અને સિકંદર નામના બે યુવકો અન્ય બે સાગરીતો સાથે રિક્ષામાં આવી મનિષને નિશાન બનાવી હુમલો કર્યો: લોહીલુહાણ હાલતમાં મનિષે હિંમત દાખવી પિતાને ફોન દ્વારા જાણ કરી

વડોદરાના માંજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂસેન જીઆઈડીસી રોડ પર સાઈબાબા મંદિર પાસે આવેલી અમર કૃપા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય મનિષ મારવાડી પર અજાણ્યા શખ્સોએ ચાકુ વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મનિષ અને હુમલાખોરો વચ્ચે માત્ર 150 રૂપિયાની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ચાકુ કાઢી મનિષ પર જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત મનિષના પિતાના જણાવ્યા મુજબ, કાર્તિક અને સિકંદર નામના બે યુવકો અન્ય બે સાગરીતો સાથે રિક્ષામાં આવ્યા હતા. આ ટોળકીએ મનિષને નિશાન બનાવી તેના પર હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પણ મનિષે હિંમત દાખવી પોતાના પિતાને ફોન દ્વારા જાણ કરી હતી
પિતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે ગંભીર રીતે ઘવાયેલા મનિષને બાઈક પર બેસાડી સયાજી (SSG) હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, મનિષની હાલત વધુ નાજુક જણાતા તેને નવા સર્જીકલ વોર્ડના C4 બ્લોકમાં દાખલ કરવામાં આવ્યો છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
