તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
વિંગ્સ ઇન્ડિયા-૨૦૨૬: સિવિલ એવિએશન ક્ષેત્રે ગુજરાતની ગૌરવપ્રદ સિદ્ધિ, ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ'ના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત

ગાંધીનગર/હૈદરાબાદ, તા.૪: ગુજરાતે વિકાસના વિવિધ આયામો સર કર્યા છે, ત્યારે હવે સિવિલ એવિએશન (નાગરિક ઉડ્ડયન) ક્ષેત્રે પણ ગુજરાતે રાષ્ટ્રીય કક્ષાએ એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં હૈદરાબાદ ખાતે યોજાયેલ એશિયાના સૌથી મોટા એવિએશન ઈવેન્ટ ગણાતા ‘વિંગ્સ ઇન્ડિયા-૨૦૨૬'માં ગુજરાતને સિવિલ એવિએશન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ બહુમાન મળ્યું છે.
હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તાજેતરમાં ૨૮ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ‘વિંગ્સ ઇન્ડિયા-૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે. રામ મોહન નાયડુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સમારોહમાં ગુજરાત રાજ્યને એવિએશન સેક્ટરના વિકાસ અને પ્રોત્સાહન માટે ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ'ના પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવ્યું છે.
ગુજરાતના સિવિલ એવિએશન કમિશનર શ્રી કે. એલ. બચાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવાઈ મુસાફરી અને કાર્ગો પરિવહનને વેગ આપવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, તેની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીના હસ્તે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એવિએશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની આ શ્રેણીમાં ગુજરાતની સાથે સાથે તેલંગાણા અને ઉત્તરાખંડ રાજ્ય પણ સંયુક્ત વિજેતા રહ્યા છે.છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, સુરત અને અમદાવાદના એરપોર્ટના વિસ્તરણ તેમજ ધોલેરા ખાતે આકાર લઈ રહેલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવી યોજનાઓ દ્વારા એવિએશન મેપ પર મજબૂત સ્થાન બનાવ્યું છે. આંતરરાજ્ય કનેક્ટિવિટી વધારવા માટે રાજ્ય સરકારે કરેલા પ્રયાસોને આ એવોર્ડ દ્વારા બિરદાવવામાં આવ્યા છે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
