<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ચોંકાવનારી ઘટના : 150 રૂપિયાની લેતી-દેતી બાબતે મનિષ મારવાડી પર અજાણ્યા શખ્સોએ ચાકુ વડે હુમલો

કાર્તિક અને સિકંદર નામના બે યુવકો અન્ય બે સાગરીતો સાથે રિક્ષામાં આવ્યા હતા અને મનિષને નિશાન બનાવી તેના પર હુમલો કર્યો હતો લોહીલુહાણ હાલતમાં પણ મનિષે હિંમત દાખવી પોતાના પિતાને ફોન દ્વારા જાણ કરી'તી

વડોદરા તા.૪

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂસેન જીઆઈડીસી રોડ પર સાઈબાબા મંદિર પાસે આવેલી અમર કૃપા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય મનિષ મારવાડી પર અજાણ્યા શખ્સોએ ચાકુ વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મનિષ અને હુમલાખોરો વચ્ચે માત્ર 150 રૂપિયાની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ચાકુ કાઢી મનિષ પર જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત મનિષના પિતાના જણાવ્યા મુજબ, કાર્તિક અને સિકંદર નામના બે યુવકો અન્ય બે સાગરીતો સાથે રિક્ષામાં આવ્યા હતા. આ ટોળકીએ મનિષને નિશાન બનાવી તેના પર હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પણ મનિષે હિંમત દાખવી પોતાના પિતાને ફોન દ્વારા જાણ કરી હતી.

પુત્રનો ફોન આવતા જ પિતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે ગંભીર રીતે ઘવાયેલા મનિષને બાઈક પર બેસાડી સયાજી (SSG) હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, મનિષની હાલત વધુ નાજુક જણાતા તેને નવા સર્જીકલ વોર્ડના C4 બ્લોકમાં દાખલ કરવામાં આવ્યો છે.

શહેરમાં દિનપ્રતિદિન વધતી જતી ગુનાખોરી અને નજીવી બાબતે હથિયારો ઉછળવાની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 150 રૂપિયા જેવી ક્ષુલ્લક રકમ માટે કોઈનો જીવ લેવા સુધીની માનસિકતાએ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય ઉભો કર્યો છે.

(4:05 PM IST)