<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ગુજરાત-આસામના યુવાઓ વચ્ચે સાંસ્કૃતિક સેતુ: ગુજરાત વિધાનસભા ખાતે ‘યુથ ઇમર્સન પ્રોગ્રામ’ યોજાશે

લોકશાહીના મૂલ્યોનું સિંચન: ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વિધાનસભાની કાર્યપદ્ધતિ નિહાળશે: ગુજરાત અને આસામના યુવાઓ વચ્ચે યોજાશે વિધાયક સંવાદ

ગાંધીનગર : યુવાઓમાં સંસદીય પ્રણાલી પ્રત્યે સમજ વિકસે તથા આંતરરાજ્ય સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન મળે તે હેતુસર ગુજરાત વિધાનસભા ખાતે આગામી સમયમાં ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે એક વિશેષ અને પ્રેરણાદાયી ‘યુથ ઇમર્સન પ્રોગ્રામ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા બંને રાજ્યોના યુવાઓને લોકશાહી વ્યવસ્થા, વિધાનસભાની કાર્યપદ્ધતિ અને વિકાસલક્ષી વિચારવિમર્શ માટે એક મજબૂત મંચ પૂરું પાડવામાં આવશે.
   આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજિત દાઇમારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા યુવાઓને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ સંસદીય મૂલ્યો અને લોકશાહીની મજબૂતી અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવશે.
આ કાર્યક્રમની પૃષ્ઠભૂમિરૂપે, ગુવાહાટી (આસામ) ખાતે યોજાયેલી ૮મી સી.પી.એ. ઇન્ડિયા રીજિયન કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં તમામ રાજ્યોને યુવાઓ માટે સંસદીય પ્રણાલી સમજવા અને પરસ્પર વિચાર-વિમર્શ માટે ‘યુથ ઇમર્સન પ્રોગ્રામ’ આયોજિત કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ સંદર્ભે આસામ વિધાનસભાના પ્રસ્તાવને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ સહર્ષ સ્વીકારતા આ આયોજન સાકાર બન્યું છે.
કાર્યક્રમમાં આસામની ગૌહાટી યુનિવર્સિટી, બોડોલેન્ડ યુનિવર્સિટી અને કોટન યુનિવર્સિટીના કુલ ૨૪ વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેઓ ગુજરાતના અંદાજે ૧૦૦ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ અને ચર્ચામાં જોડાશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘વિકસિત સ્ટેટસ, વિકસિત ભારત’ વિષય પર યોજાનારી ગ્રુપ ચર્ચા રહેશે, જેમાં યુવાઓ વિકાસ, શાસન અને યુવા ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરશે.
યુવાઓને સંસદીય પ્રક્રિયાની વિગતવાર માહિતી મળે તે હેતુસર ગુજરાત તથા આસામ વિધાનસભાની કાર્યપદ્ધતિ, વિધાન પ્રક્રિયા અને સંસદીય પરંપરાઓ અંગે વિશેષ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત આસામથી આવેલા વિદ્યાર્થીઓ ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વિકાસાત્મક દ્રષ્ટિએ મહત્વના સ્થળોની મુલાકાત લેશે, જેના માધ્યમથી તેઓ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને વિકાસયાત્રાથી પરિચિત થશે.
આ ‘યુથ ઇમર્સન પ્રોગ્રામ’ યુવાઓમાં વૈધાનિક પ્રણાલીઓ પ્રત્યે જાગૃતિ લાવવા, લોકશાહીના મૂલ્યોને મજબૂત કરવા તેમજ રાષ્ટ્રીય એકતા અને સંવાદને વધુ સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.

(6:42 PM IST)