<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

હવે આવક, જાતિ સહિતના દાખલા માટે નહીં લગાવવી પડે લાઈન :પ્રમાણપત્રો મળશે ઓનલાઇન :1 એપ્રિલથી અમલ

વિદ્યાર્થીઓ-વાલીઓ માટે મોટી રાહત : ફેસલેસ સિસ્ટમથી ઓનલાઈન મળશે તમામ પ્રમાણપત્રો : ગુજરાત સરકારે ડિજિટલ ઈન્ડિયા અને ઈઝ ઓફ લિવિંગની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું

ગુજરાત સરકારે ડિજિટલ ઈન્ડિયા અને ઈઝ ઓફ લિવિંગની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. હવે રાજ્યના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર સહિતના અનેક મહત્વના દાખલા મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં.

 

રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 1 એપ્રિલથી તમામ પ્રમાણપત્રો ફેસલેસ ઓનલાઈન સિસ્ટમ દ્વારા આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે નાગરિકોએ મામલતદાર કચેરી, તાલુકા મામલતદાર કચેરી કે અન્ય કચેરીઓમાં વારંવાર જવાની જરૂર પડશે નહીં. આખી પ્રક્રિયા ઓનલાઈન થશે અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.

 નવી વ્યવસ્થા હેઠળ જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર , નાગરિકતા પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર અને અન્ય સામાજિક-શૈક્ષણિક પ્રમાણપત્રો ઓનાલાઇન મળશે 

 

આ સુવિધા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, કારણ કે કોલેજ એડમિશન, સ્કોલરશિપ, ફી રાહત, અનામતનો લાભ લેવા માટે આ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. હાલમાં આવા દાખલા મેળવવા માટે લોકોને દિવસો-અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે અને ઘણી વખત અધિકારીઓ પાસે દોડધામ કરવી પડે છે. આ નવી સિસ્ટમથી આ તમામ મુશ્કેલીઓ દૂર થશે.

 

આ ફેસલેસ સર્વિસ Digital Gujarat Portal (digitalgujarat.gov.in)  પર ઉપલબ્ધ થશે. નાગરિકોએ પોતાનું પ્રોફાઈલ બનાવી, આધાર-લિંક કરીને અરજી કરવાની રહેશે. ડિજિટલી સાચા દસ્તાવેજો અપલોડ કર્યા બાદ પ્રમાણપત્ર થોડા જ દિવસોમાં ઓનલાઈન જનરેટ થઈ જશે અને ડાઉનલોડ કરી શકાશે.

 

આ નિર્ણયથી રાજ્યમાં ભ્રષ્ટાચાર ઘટશે. આ સાથે જ સમય અને આર્થિક ખર્ચ બચશે અને વહીવટી કામગીરી વધુ પારદર્શી બનશે. ગુજરાત સરકારના આ પગલાને લોકો દ્વારા ખૂબ સરાહવામાં આવી રહ્યું છે.

 

(9:39 PM IST)