<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

જેતપુર પંથકમાં નશાના નેટવર્કનો પર્દાફાશ : લેબ્રોડોર ડોગ 'કેપ્ટો'ની મદદથી દરોડો : 914 ગ્રામ ગાંજો જપ્ત: મહિલા સહીત બે ઝડપાયા

બાવાવાળાપરામાં પોલીસ-કેપ્ટોની જોડીએ ગાંજાનો રેકેટ ઝડપ્યું :મહિલાના પ્રેમીના સસરા અને સાધુનું કનેક્શન ખુલ્યું: સપ્લાયર સાધુને ઝડપી લેવા માટે તપાસને વેગ

જેતપુર સીટી પોલીસની ટીમે રાજકોટ ગ્રામ્યના ડોગ સ્ક્વોડના લેબ્રોડોર ડોગ 'કેપ્ટો'ની મદદથી બાવાવાળાપરા વિસ્તારમાં મોટો દરોડો પાડ્યો અને ગાંજાનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો છે.

 

જેતપુર સીટી પોલીસ મથકના પ્રોબેશનરી IPS પ્રખર કુમારના માર્ગદર્શન હેઠળ PI એ.ડી. પરમાર અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજાને મહત્વની બાતમી મળી હતી. બાતમી મુજબ બોખલા દરવાજાથી ટાકુડીપરા જતા રસ્તે રહેતી શરદબેન દિનેશભાઈ લણાગરીયા નામની મહિલાએ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડ્યો છે.

 

 

આ બાતમીના આધારે પોલીસે રાજકોટ ગ્રામ્યના ડોગ હેન્ડલર ASI રાજેન્દ્રસિંહ રાયજાદા અને તેમના ટ્રેન્ડ લેબ્રોડોર ડોગ 'કેપ્ટો'ને સાથે લઈને મહિલાના ઘરે દરોડો પાડ્યો હતો. તલાશી દરમિયાન 'કેપ્ટો' રૂમમાં બારી અને સિંગલ બેડ વચ્ચે પડેલી કાળા રંગની થેલી પાસે જઈને ભસવા લાગ્યો અને પગ પછાડીને ઈશારો કર્યો. પોલીસે તે થેલી ખોલતાં તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો.

 

સ્થળ પર FSLની મોબાઈલ વાન બોલાવી ખરાઈ કરતાં તે ગાંજો હોવાનું સામે આવ્યું. પોલીસે શરદબેન પાસેથી 914 ગ્રામ ગાંજો (અંદાજિત કિંમત રૂ. 45,700) કબજે કર્યો.

 

પૂછપરછ દરમિયાન શરદબેને કબૂલ્યું કે આ ગાંજો તેના પ્રેમીના સસરા હનીફભાઈ સીતારભાઈ રફાઈ (રહે. જેતપુર) લાવ્યા હતા. પોલીસે હનીફભાઈની પણ ધરપકડ કરી. વધુ પૂછપરછમાં હનીફભાઈએ આ જથ્થો વીરપુરના એક સાધુ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતુ.

આ કબૂલાત બાદ પોલીસે તે સાધુને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. જેતપુર સીટી પોલીસે શરદબેન અને હનીફભાઈ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(સી) અને 20-બી હેઠળ ગુનો નોંધ્યો છે અને મુખ્ય સપ્લાયર સાધુને ઝડપી લેવા માટે તપાસને વેગ આપ્યો છે.

 

(10:11 PM IST)