News of Thursday, 5th February 2026
નવસારીના સાંસદ જલ મંત્રી હોવા છતાં જનતા પાણી માટે વલખા મારે છે: અમિત ચાવડા
કોંગ્રેસની 'જન આક્રોશ યાત્રા' ત્રીજા દિવસે નવસારી જિલ્લામાં: ૩ દાયકાના શાસન બાદ વિકાસના નામે સરકાર દલિત, આદિવાસી, ઓ.બી.સી. સમાજના ઘરો પર બુલડોઝર ફેરવી રહી છે

નવસારી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં નીકળેલી 'જન આક્રોશ યાત્રા' ત્રીજા દિવસે નવસારી જિલ્લામાં પહોંચી હતી. ચીખલીથી શરૂ થયેલી આ યાત્રા ગણદેવી, નવસારી અને વાંસદા સહિતના વિસ્તારોમાં ફરી હતી, જ્યાં મોટી સંખ્યામાં ઉમટેલી જનતાએ ભાજપ સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
વિકાસના નામે બુલડોઝર અને પાણીની તંગી:
શ્રી અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, નવસારીના સાંસદ સી. આર. પાટીલ કેન્દ્રમાં જલ મંત્રી હોવા છતાં સ્થાનિક લોકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે. દરિયાકાંઠાના ગામોમાં ક્ષારયુક્ત પાણીની સમસ્યા અને ડ્રેનેજ નેટવર્કના અભાવે લોકો પરેશાન છે. તેમણે ઉમેર્યું કે, ૩ દાયકાના શાસન બાદ સરકાર ગરીબોને ઘર આપવાને બદલે દલિત, આદિવાસી અને ઓ.બી.સી. સમાજના ઘરો પર બુલડોઝર ફેરવી રહી છે.
મોંઘવારી અને દારૂબંધીના મુદ્દે મહિલાઓનો રોષ: યાત્રા દરમિયાન ગૃહિણીઓએ 'બહુત હુઈ મહેગાઈ કી માર, અબ હટાવો ભાજપ સરકાર'ના નારા સાથે મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ ગામેગામ દારૂની રેલમછેલ બંધ કરાવવાની ઉગ્ર માંગ કરી હતી. સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે પોલીસની હપ્તાખોરીને કારણે બુટલેગરો બેફામ બન્યા છે અને યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડી રહી છે.
ખેડૂતો અને રોજગારીની સમસ્યા: ગણદેવી પંથકમાં ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે ભારે વરસાદથી ચીકુ અને કેરીના પાકને થયેલા નુકસાનનું વળતર મળ્યું નથી અને પૂરતા ભાવ પણ મળતા નથી. ઉદ્યોગોના અભાવે સ્થાનિક યુવાનોએ નોકરી માટે હિજરત કરવી પડી રહી છે. શ્રી ચાવડાએ લોકોને એકજૂથ થઈ અન્યાય સામે લડવા આહવાન કર્યું હોવાનું કોંગ્રેસના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ (મો: ૯૮૯૮૨૩૩૦૩૮)એ એક યાદીમાં જણાવ્યું છે
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
