<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : ગાંધીબાગ પાસે દરોડો પાડી મુંબઈની મહિલાને ૧.૯૬ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડી

પોલીસ કમિશનરના ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ ચોકબજાર વિસ્તારમાંથી ૬૫.૪૩૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત : કાળા બુરખામાં સજ્જ મહિલા આરોપી ડ્રગ્સનો જથ્થો ગ્રાહકોને છૂટકમાં વેચવા આવી હોવાનો ખુલાસો

સુરત, તા. 5 ફેબ્રુઆરી : સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલા ”NO DRUGS IN SURAT CITY" અભિયાન અંતર્ગત શહેરને માદક પદાર્થોથી મુક્ત કરવાની મુહીમમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગઇકાલ તા.૦૩/૦૨/૨૦૨૬ ના રોજ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોકબજાર વિસ્તારમાંથી એક મહિલા આરોપીને વાણિજ્યક માત્રાના મેફેડ્રોન ડ્રગ્સ (MD) ના જથ્થા સાથે રંગેહાથ પકડી પાડી છે.
બાતમી અને ટ્રેપની વિગત:
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને તેમની ટીમને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ હકિકત મળી હતી કે, મુંબઈની રહેવાસી એક મહિલા ડ્રગ્સનો જથ્થો લઈને બપોરના સમયે કાળા કલરનો બુરખો પહેરીને ચોકબજાર ગાંધીબાગ સામેના રોડ પર આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્રના ગેટ પાસે રોડ ઉપરથી મહિલાને અટકાવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
આરોપી મહિલા અને જપ્ત મુદ્દામાલ:
પોલીસ તપાસમાં પકડાયેલ મહિલાની ઓળખ ૩૧ વર્ષીય શ્રીમતી રૂકસાર પત્ની જાકિર જાફર શેખ તરીકે થઈ છે. તે મૂળ નવી મુંબઈ (મહારાષ્ટ્ર) ની રહેવાસી છે અને સુરતના સલાબતપુરા વિસ્તારના મોમનાવાડમાં પણ ફ્લેટ ધરાવે છે.
પોલીસે તેની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
 * મેફેડ્રોન (MD) ડ્રગ્સ: ૬૫.૪૩૦ ગ્રામ, જેની કિંમત અંદાજે ₹૧,૯૬,૨૯૦/- છે.
 * મોબાઈલ ફોન: ૨ નંગ, જેની કિંમત ₹૪૦,૦૦૦/- છે.
 * કુલ મુદ્દામાલ: ₹૦૨,૩૭,૩૩૦/- ની મત્તાનો સામાન જપ્ત કરાયો છે.
તપાસ અને કાયદેસરની કાર્યવાહી:
પ્રાથમિક પૂછપરછમાં શ્રીમતી રૂકસાર શેખે કબૂલાત કરી હતી કે, તેણે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના એક ઇસમ પાસેથી ખરીદ્યો હતો અને તે સુરત શહેરમાં પોતાના ગ્રાહકોને છૂટકમાં વેચવાની ફિરાકમાં હતી. આ મામલે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે આ રેકેટમાં જોડાયેલા અન્ય કડીઓની તપાસ કરી રહી છે.

(2:19 PM IST)