News of Thursday, 5th February 2026
અમદાવાદ ઉપર ભૂકંપનું જોખમ વધ્યું: ઝોન ૪માં સમાવેશ
આગામી તમામ સ્ટ્રકચરલ પ્રોજેકટની ડીઝાઇન સુધારવી પડશેઃ સીટી સ્કવેર ટાવરની ૫ મીટર ઉંચાઇ ઘટાડાઇઃ બાંધકામ ખર્ચ વધશે

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ભૂકંપના આચંકા શરૂ થયા છે. કચ્છ-ભુજમાં સતત આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન ભારત સરકારના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ તાજેતરમાં દેશભરના રાજ્યોના ભૂકંપીય ઝોનિંગમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે, જેના કારણે અમદાવાદ શહેરને ઉચ્ચ ભૂકંપ જોખમ શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું.
અમદાવાદ પર તોળાઈ રહેલા મોટા ભૂકંપના ખતરાના કારણે શહેરના સૌથી પોશ એરિયા ગણાતા સિંધુ ભવનમાં બનનારા સિટી સ્કવેર ટાવરની ઊંચાઈમાં ૫ મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
અમદાવાદના સીસ્મિક ઝોનનો સ્કોર ૩ થી વધીને ૪ થવાને કારણે, સિંધુ ભવન રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સ્ક્વેર પ્રોજેક્ટ હેઠળ બનનારી બિલ્ડિંગની ઊંચાઈ મૂળ આયોજિત ૧૮૦ મીટરથી ઘટાડીને ૧૭૫ મીટર કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરની ઓળખ વધારવા અને સ્માર્ટ સિટી રેન્કિંગ સુધારવા માટે એક વિશિષ્ટ ‘સિટી સ્ક્વેર' બનાવવાનું આયોજન કર્યું હતું.
જેના માટે ૨૦૨૪-૨૫ ના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી હતી. સિંધુ ભવન રોડ પર આ હેતુ માટે ૧૩,૧૪૪ ચોરસ મીટરનો પ્લોટ નક્કી કરવામાં આવ્યો હતો અને તેની ડિઝાઇન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી.
શરૂઆતમાં એક દાયકાથી વધુ સમયના પવનની પેટર્ન અને સોઈલ ટેસ્ટિંગ (જમીન પરીક્ષણ) ના ડેટાના આધારે ટાવરની ઊંચાઈ ૧૮૦ મીટર નક્કી કરવામાં આવી હતી. આ સિટી સ્ક્વેરમાં શહેરનો નજારો જોવા માટે એક ટાવર, બગીચા, કોમર્શિયલ એરિયા અને મનોરંજનની વિવિધ સુવિધાઓ હશે. આ સમગ્ર બાંધકામ પાછળ અંદાજે રૂા.૬૯૨ કરોડનો ખર્ચ થશે.
અમદાવાદ શહેરનો ભૂકંપીય ઝોન ૩ માંથી ઝોન ૪ માં અપગ્રેડ કરવામાં આવ્યો છે. આ ફેરફાર મે ૨૦૨૬ પછી મંજૂર થનારી તમામ નવી ઇમારતોની માળખાકીય ડિઝાઇનને અસર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા વર્ગીકરણો ૩ મે, ૨૦૨૬ થી અમલમાં આવશે. સ્ટ્રક્ચરલ એન્જિનિયરોને હવે ઇમારતોને વધુ મજબૂત ધરતીકંપના દળોનો સામનો કરવા માટે ડિઝાઇન કરવી પડશે, જેનાથી બાંધકામ સામગ્રીનો ઉપયોગ વધશે. આનાથી અમદાવાદમાં નવી મિલકતોના ભાવોમાં ૨૫ થી ૨૫ ટકા જેટલો વધારો થઈ શકે છે.
શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ અમદાવાદને ભૂકંપ સંવેદનશીલ શહેર તરીકે ગણાવ્યું હતું. વર્ષ ૨૦૦૧ માં આવેલા વિનાશક ભૂકંપમાં શહેરમાં ૯૦૦થી વધુ લોકોના જીવ ગયા હતા અને અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે, BIS દ્વારા ભૂકંપીય ઝોન જાહેર કરાયા મુજબ AMC નવી ઇમારતો માટે બાંધકામ યોજનાઓને મંજૂરી આપે છે.
હાલમાં, ડિઝાઇન ઝોન ૩ પર આધારિત છે. જોકે, BIS એ નવેમ્બર ૨૦૨૫માં ભૂકંપીય ઝોન સુધાર્યા પછી અમદાવાદને ઝોન ૪ માં મૂકવામાં આવ્યું છે. આનાથી નવી ઇમારતોની સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં સીધી અસર થશે.
સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદ હવે સિસ્મિક ઝોન ૪ માં ખસેડાયું હોવાથી, આગામી તમામ પ્રોજેક્ટ્સની માળખાકીય ડિઝાઇન સુધારવી પડશે. વધુ રિઇન્ફોર્સમેન્ટ અને મજબૂત ઘટકો જરૂરી બનશે. સામગ્રીના વપરાશમાં વધારો થતાં, નવા બાંધકામ ખર્ચમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થશે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
