News of Thursday, 5th February 2026
વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો ૮મો પદવીદાન સમારોહ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૨૨૧૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત : યુવાનોને ‘જોબ ક્રિએટર’ બનવા આહ્વાન
મુખ્યમંત્રીના હસ્તે ૧.૫ મેગાવોટના સોલાર પ્લાન્ટનું લોકાર્પણ અને ₹૨૫ કરોડના ‘એસ.પી.યુ. સ્પોર્ટ્સ એરેના’નું ભૂમિપૂજન : ૩૫ તેજસ્વીઓને ગોલ્ડ મેડલ અને ૪૧ સ્કોલર્સને પી.એચ.ડી. એનાયત કરાઈ

વિસનગર, તા. 5 ફેબ્રુઆરી : મહેસાણા જિલ્લાના વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો ૮મો પદવીદાન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યુવા શક્તિને રાષ્ટ્રના વિકાસના કેન્દ્રમાં ગણાવતા જણાવ્યું હતું કે, આજનો યુગ નોલેજ અને ઇનોવેશનનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭'ના વિઝનને સાકાર કરવા માટે નવી શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને સજ્જ કરવામાં આવી રહ્યા છે.
શિક્ષણ જીવન જીવવા માટે છે:
પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પદવી એ માત્ર કાગળનું પ્રમાણપત્ર નથી પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક છે. તેમણે યુવાનોને 'જોબ સીકર' (નોકરી શોધનાર) ને બદલે 'જોબ ક્રિએટર' (નોકરી આપનાર) બનવા આહ્વાન કર્યું હતું. સરકારે બજેટમાં પણ સ્કિલિંગ, સ્ટાર્ટઅપ, એઆઈ અને ડિજિટલ લર્નિંગ પર વિશેષ ભાર મૂક્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મહત્વપૂર્ણ લોકાર્પણ અને ભૂમિપૂજન:
આ અવસરે મુખ્યમંત્રીએ યુનિવર્સિટી કેમ્પસમાં ₹૪.૫ કરોડના ખર્ચે સ્થાપિત ૧૫૦૦ કિલોવોટ (૧.૫ મેગાવોટ) ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું, જેનાથી સંસ્થા ગ્રીન એનર્જી ક્ષેત્રે અગ્રેસર બની છે. આ ઉપરાંત, ₹૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના 'એસ.પી.યુ. સ્પોર્ટ્સ એરેના'નું પણ વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલનું સંબોધન:
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઈ પટેલે નૂતન મેડિકલ કોલેજની પ્રથમ બેચને પદવી મળતા વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે માત્ર ડિગ્રી કે ગોલ્ડ મેડલથી કામ નહીં ચાલે, જીવનમાં કૌશલ્ય (સ્કિલ) જ આગળ વધારશે. ગુજરાતમાં મેડિકલ સીટોમાં થયેલા વધારાથી આરોગ્ય સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચી હોવાનું પણ તેમણે નોંધ્યું હતું.
પદવી અને ઉપસ્થિત મહાનુભાવો:
આ સમારોહમાં એન્જિનિયરિંગના ૬૦૧, કમ્પ્યુટર સાયન્સના ૩૪૯, મેડિસિનના ૧૪૭ સહિત કુલ ૨૨૧૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં સંસ્થાની પ્રગતિની રૂપરેખા આપી હતી.
અતિથિ વિશેષ તરીકે એલ એન્ડ ટી (L&T) એનર્જી ગ્રીનટેકના સીઈઓ ડેરેક એમ. શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશ પટેલ, સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, રાજન્દ્રભાઈ ચાવડા, સી. જે. ચાવડા, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, આઈ.એમ.એ. પ્રેસિડેન્ટ અનિલભાઈ નાયક, ગીરીશભાઈ રાજગોર, નટુજી ઠાકોર તેમજ કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, ડી.ડી.ઓ. ડૉ. હસરત જૈસમીન, પ્રોવોસ્ટ ડો. પી.એમ. ઉદાણી અને રજીસ્ટ્રાર ડૉ. પરિમલ ત્રિવેદી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
