<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’ સંપન્ન : ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે લોકશાહીના મૂલ્યોનું આદાન-પ્રદાન

વિધાનસભા માત્ર કાયદા ઘડવા માટે જ નહીં પણ સરકારની જવાબદારી નક્કી કરવાનું પણ માધ્યમ છે : આસામના અધ્યક્ષ બિશ્વજીત દાઈમારી અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે યુવાનોનો સંવાદ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા સચિવાલયના ગ.વા. માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો દ્વારા એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજીત દાઈમારી અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આસામની ગૌહાટી, બોડોલેન્ડ અને કોટન યુનિવર્સિટીના ૨૪ વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત યુનિવર્સિટીના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અધિકાર અને ફરજ એક સિક્કાની બે બાજુ:
વિદ્યાર્થીઓને સંબોધતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિધાનસભાનું કાર્ય માત્ર કાયદા ઘડવાનું કે બજેટ પસાર કરવા પૂરતું સીમિત નથી, પરંતુ તે સરકારની કામગીરીની જવાબદારી નક્કી કરવાનું સર્વોચ્ચ સ્થાન છે. તેમણે યુવાનોને શીખ આપી હતી કે અધિકારની સાથે સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને કાયદાનું પાલન જેવી મૂળભૂત ફરજો પણ જોડાયેલી છે. ગુજરાતની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી બનાસકાંઠા જેવા જિલ્લામાં શ્વેત ક્રાંતિ આવી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રકલ્પોથી રાજ્યનો અવિરત વિકાસ થયો છે.
ગુજરાત-આસામના પૌરાણિક સંબંધો:
આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજીત દાઈમારીએ બંને રાજ્યો વચ્ચેના સદીઓ જૂના સંબંધોને યાદ કરતા કૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે માધવપુરના મેળા દ્વારા પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારત જોડાયેલા છે. તેમણે યુવાનોને ડોક્ટર-એન્જિનિયર બનવાની સાથે સારા નેતા બની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
લોકશાહીની પ્રક્રિયાનું શિક્ષણ:
શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનો લોકશાહીની સંસદીય પ્રક્રિયાને સમજે તે અનિવાર્ય છે. આ કાર્યક્રમનું બીજ આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી ૮મી ઈન્ડિયા રીજનલ કોન્ફરન્સમાં રોપાયું હતું. વિદ્યાર્થીઓએ વિધાનસભાની મુલાકાત લઈ પ્રશ્નોત્તરી અને કાયદા નિર્માણની પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.
ઉપસ્થિત મહાનુભાવો:
કાર્યક્રમના પ્રારંભમાં વિધાનસભાના સચિવ ચેતન પંડ્યાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને અંતમાં આસામ વિધાનસભાના સંયુક્ત સચિવ દીર્ઘા બરુઆએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર સહિત વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની વિકાસ યાત્રા પરની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.

(4:04 PM IST)