<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

અમદાવાદમાં કતલખાનું બનાવવાની જાહેરાતથી ભારે ચર્ચા

શહેરમાં છેલ્લે વર્ષ ૧૯૦૩માં જમાલપુર ખાતે સ્‍લોટર હાઉસ બનેલ જીવદયા પ્રેમીઓ, ધારાસભ્‍ય શાહ દ્વારા કોર્પોરેશનના ડ્રાફટ બજેટની જોગવાઈનો વિરોધ

અમદાવાદ, તા.૫: મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ૨૦૨૬-૨૭ના ડ્રાફ્‌ટ બજેટમાં ૧૨૩ વર્ષ પછી નવા આધુનિક કતલખાનાંનો પ્રસ્‍તાવ મુકાયો છે. શાહવાડી-બહેરામપુરા વિસ્‍તારમાં ૩૨ કરોડના ખર્ચે બનનાર સ્‍લોટર હાઉસને લઈને શહેરમાં ચર્ચા શરૂ થઈ છે.

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફ્‌ટ બજેટમાં શહેર માટે એક મહત્‍વપૂર્ણ અને ચર્ચાસ્‍પદ નિર્ણય સામે આવ્‍યો છે. શહેરમાં ૧૨૩ વર્ષ પછી નવા કતલખાનાંના નિર્માણનો પ્રસ્‍તાવ મુકાયો છે. દક્ષિણ ઝોનના શાહવાડી-બહેરામપુરા વિસ્‍તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સ્‍લોટર હાઉસ બનાવવાની યોજના જાહેર થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે.

ડ્રાફ્‌ટ બજેટ અનુસાર, અંદાજે ૩૨ કરોડ રૂપિયાના ખર્ચે ૧૬ હજાર સ્‍કવેર મીટર વિસ્‍તારમાં મોર્ડન સ્‍લોટર હાઉસ ઊભું કરવામાં આવશે. અમદાવાદમાં છેલ્લે જમાલપુર ખાતે વર્ષ ૧૯૦૩માં કતલખાનું બનાવાયું હતું અને ત્‍યારબાદ શહેરના વધતા વિસ્‍તાર અને વસતી છતાં નવી સુવિધાની કયારેય રચના થઈ ન હતી. આ પરિસ્‍થિતિમાં મ્‍યુનિસિપલ તંત્રે નવા પ્રોજેક્‍ટની જરૂરિયાત દર્શાવી છે.

પ્રસ્‍તાવિત સ્‍લોટર હાઉસમાં પશુઓ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી સંભાળ, કૂલિંગ-ચિલિંગ સુવિધા, રેન્‍ડરિંગ પ્‍લાન્‍ટ અને સ્‍વચ્‍છતા સંબંધિત આધુનિક વ્‍યવસ્‍થાઓ વિકસાવવામાં આવશે. મ્‍યુનિસિપલ તંત્રનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ તેમજ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના નિયમોને સંપૂર્ણપણે અનુસરવામાં આવશે, જેથી પર્યાવરણ અને જાહેર આરોગ્‍ય પર નકારાત્‍મક અસર ન પડે.

ઉપરાંત ભાજપના ધારાસભ્‍ય અમિતભાઈ શાહે પણ મ્‍યુ.કમિશનર દ્વારા રજુ કરાયેલ ડ્રાફટ બજેટમાં નવું સ્‍લોટર હાઉસ બનાવવા માટેની જાહેરાત અંગે વિરોધ દર્શાવ્‍યો છે.

બીજી તરફ, કેટલાક નાગરિક સંગઠનો અને સામાજિક જૂથો આ નિર્ણયને લઈને પ્રશ્‍નો ઉઠાવી રહ્યા છે. તેમનું માનવું છે કે વિકલ્‍પરૂપે શહેર બહાર વધુ દૂરસ્‍થ વિસ્‍તારમાં આવી સુવિધા વિકસાવવી જોઈએ હતી. આ મુદ્દે આગામી દિવસોમાં જાહેર ચર્ચા અને રાજકીય પ્રતિસાદ વધવાની શકયતા છે.

(4:07 PM IST)