<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનો હુંકાર - ભારતીય જ્ઞાન પરંપરા અને સાયબર સિક્યોરિટીના સંગમથી ‘વિકસિત ભારત@૨૦૪૭’નું સપનું સાકાર થશે

ગુજરાતની ધરતી ‘શાસ્ત્રથી સોફ્ટવેર’ અને ‘શૂન્યથી સિક્યોરિટી’ની યાત્રાનું નેતૃત્વ કરી રહી છે : ગાંધીનગરમાં ત્રિ-દિવસીય સેમિનારના પ્રારંભે શિક્ષણ મંત્રીએ સાયબર ફ્રોડના પડકારો સામે આધુનિક સંશોધનો પર મૂક્યો ભાર

ગાંધીનગર : ગાંધીનગર ખાતે ‘ઈન્ડિયન નોલેજ સિસ્ટમ એન્ડ સાઈબર સિક્યુરિટી’ વિષય પર આયોજિત ત્રિ-દિવસીય સેમિનારનું ઉદ્ઘાટન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત આજે વૈશ્વિક શક્તિ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાત સોમનાથ જેવી ઐતિહાસિક ધરોહરને સાચવવાની સાથે ટેકનોલોજી અને તકનીકી શિક્ષણ ક્ષેત્રે પણ અભૂતપૂર્વ પ્રગતિ કરી ‘શાસ્ત્રથી સોફ્ટવેર’ સુધીની યાત્રા ખેડી રહ્યું છે.
સાયબર સુરક્ષામાં ગણિતનો ઉપયોગ:
સરકારી વિજ્ઞાન કોલેજ, ગાંધીનગર ખાતે આયોજિત આ સેમિનારમાં શિક્ષણ મંત્રીએ સાયબર ફ્રોડને વર્તમાન સમયનો મોટો પડકાર ગણાવ્યો હતો. તેમણે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ દ્વારા સાયબર સિક્યોરિટીમાં ગણિતના ઉપયોગ અંગે કરવામાં આવેલા સંશોધનોને બિરદાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આપણી પ્રગતિ ‘શૂન્યથી સિક્યોરિટી’ સુધીની છે અને ભારતીય પ્રાચીન જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય જ સુરક્ષિત ભવિષ્યનો પાયો છે.
સંશોધન અને Ph.D. વિદ્યાર્થીઓ માટે સહાય:
રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે લેવાયેલા મક્કમ પગલાઓની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે, હવે દરેક સરકારી કોલેજ માટે સંશોધન કાર્ય (Research) ફરજિયાત કરવામાં આવ્યું છે અને તે માટે પૂરતું સરકારી ભંડોળ પણ ફાળવવામાં આવ્યું છે. સંશોધન ક્ષેત્રે વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી Ph.D. કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ૨ લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
વિકાસ ભી, વિરાસત ભી:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનો ઉલ્લેખ કરતા પ્રદ્યુમન વાજાએ કહ્યું કે, આપણે "વિકાસ ભી, વિરાસત ભી"ના મંત્ર સાથે આગળ વધવાનું છે. આ સેમિનાર ભારતીય વિરાસત અને આધુનિક સુરક્ષા વ્યવસ્થાના સમન્વય દ્વારા વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વનું યોગદાન આપશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સિપલ ડો. ડી.પી. પટેલ, ગણિત વિભાગના હેડ ડો. બી. એન. વાલાની સહિત વિવિધ વિષયોના તજજ્ઞો, વિદ્વાનો અને રાજ્યની વિવિધ કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિ-દિવસીય સેમિનાર દરમિયાન વિવિધ ટેકનિકલ સત્રોમાં સાયબર સિક્યોરિટી અને ભારતીય જ્ઞાન પરંપરાના વિવિધ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

(4:11 PM IST)