તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
એકતા નર્સરીમાં આદિવાસી બહેનોના હાથનું સ્વાદિષ્ટ ભોજન જમવાની ખુબ જ મજા પડી : ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે વિશ્વવિખ્યાત અને વિશ્વની સર્વોચ્ચ પ્રતિમા એવા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોતાના પરિવારજનો સાથે લીધી હતી. તેમણે સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ, ભાવના અને રાષ્ટ્રભક્તિના ઊંડા અનુભવો વ્યક્ત કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર સાહેબના જીવનચરિત્ર, ભારતના એકીકરણ માટેના તેમના ઐતિહાસિક સંઘર્ષો અને પ્રતિમાના નિર્માણ પાછળની અનોખી ઈજનેરી પ્રક્રિયાઓને જીવંત રીતે રજૂ કરતી વિશાળ અને આકર્ષક પ્રદર્શની ગેલેરીની તેમણે મુલાકાત લીધી હતી. હૃદયસ્થળ વ્યૂઈંગ ગેલેરી પરથી સરદાર સાહેબના સ્વપ્ન સમાન સરદાર સરોવર નર્મદા ડેમ, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે વહેતી મા નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી તેઓ મંત્રમુગ્ધ બન્યા હતા.
આ અવસરે સરદાર સાહેબના જીવન પર આધારિત પ્રેરણાદાયી ફિલ્મ નિદર્શન નિહાળીને તેઓ ભાવવિભોર થયા હતા. સાથે જ ગાઈડશ્રી હિતેષ કુંવર પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ, ટેકનિકલ વિશેષતાઓ અને સંચાલન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લેસર લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ ઉપરાંત તેમણે જંગલ સફારી, વામન વૃક્ષ વાટિકા, સરદાર સરોવર નર્મદા ડેમ તથા એકતા નર્સરી સહિતના તમામ પ્રવાસન આકર્ષણોની મુલાકાત લીધી હતી.
આ તકે ધારાસભ્ય જીજ્ઞેશ મંવાણીએ મુલાકાત પોથીમાં નોંધ્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરની મુલાકાત ખુબ અદ્ભભુત લાગી.નર્સરી જોવાની ખુબ મઝા પડી,જે રીતે નર્સરી ઉભી કરી છે,જાળવી છે તે ખુબ સરસ છે. લોકોએ અહીંનો નઝારો જોવા ચોક્કસ આવવું જોઇએ.અહીં આદિવાસી બહેનોના હાથનું સાત્વિક ભોજન જમવાની ખુબ મજા પડી.બહેનોનો શ્રમ અને નફો પણ એમનો એ જોઇને વધુ આનંદ થયો.હેન્ડિક્રાફ્ટ પણ સરસ મજાના છે.અહીં ફેમીલી સાથે આવ્યા,સ્ટેચ્યુ અને સમગ્ર પરીસર,મ્યુઝિયમ,આજુ-બાજુનો વિસ્તાર જોયો અને એ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફ મિત્રોએ જે પ્રેમ અને ઉમળકાથી અમને ફેરવ્યા તે માટે એમનો દિલથી આભારી છુ.
આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા ધારાસભ્યને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરવામાં આવી હતી,સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટુરિઝમ ઓફિસર ઝુબીન ગમીરે મેવાણીને ફોટોફ્રેમ ભેટ આપી હતી.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
