<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળાના આશ્રિત બાળકોએ પહેલીવાર વિધાનસભા સહીત ગાંધીનગરનો પ્રવાસ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર હેઠળના ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસીએશન રાજપીપળા-નર્મદા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા- નર્મદા ખાતે આશ્રિત કુલ ૩૩ બાળકોએ વિધાનસભા, ઇન્દ્રોડા નેચર પાર્ક, અક્ષરધામ જેવા સ્થળોનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં મુસાફારી માટે બસની વ્યવસ્થા પ્રાંત અધિકારી, નાંદોદ તેમજ તેમની પ્રાંત કચેરીનાં કર્મચારીઓ દ્વારા કરી આપવામાં આવી હતી,  તેમજ ભોજન,  પ્રવેશ અને પ્રદર્શન ટીકીટ ખર્ચ રાજપીપળાનાં જાણીતા ઓર્થોપેડિક ડૉ. નૈશધ પરમાર દ્વારા કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય એ ખુબ ટુકા ગાળામાં વિધાનસભાની મુલાકાત માટે મંજુરી અપાવી હતી.

પ્રવાસ દરમ્યાન નાંદોદ- નર્મદાનાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ વિધાનસભામાં ઉપસ્થિત હોય બાળકોને વિધાનસભામાં પ્રવેશ કરાવી ધારાસભા ગૃહમાં બેસાડી ગૃહની કાર્યપદ્ધતિ અંગે સમજ આપી હતી. ત્યારબાદ બાળકોએ અક્ષરધામ મંદિર ખાતે દર્શન કરી વિવિધ પ્રદર્શનો નિહાળી, ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે વિવિધ પ્રાણીઓ, સર્પ તથા પક્ષીઓ વગેરે પ્રત્યક્ષ નિહાળી બાળકોએ મજા માણી હતી.
આમ સમગ્ર પ્રવાસનું આયોજન સંસ્થાનાં અધિક્ષક નિલેષ વસાવા દ્વારા સંસ્થાનાં મંત્રી તેમજ બાળ સુરક્ષા અધિકારીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ નર્મદા તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, નર્મદાની મંજુરી મેળવી બાળકોની પસદગી મુજબ રોડ મેપ તૈયાર કરી દાતા સાથે સંકલન કરી કરવામાં આવ્યું હતું. અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર માંથી આવતા બાળકોએ પ્રથમ વખત ગાંધીનગર તેમજ વિધાનસભા ગૃહમાં મુલાકાત કરી ત્યાંની કામગીરી અંગે સમજ મેળવી હતી, અધિકારીઓ એ લીધેલ પ્રતીભાવોમાં વિધાનસભા પરિચય અંગે સરસ જવાબો આપ્યા હતા.   આમ સંસ્થાના 33 બાળકો અને સંસ્થા અધિક્ષક અને કર્મચારીગણ દ્વારા પ્રવાસ કરવામાં આવ્યો હતો.

(10:10 PM IST)