તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદી ટિપ્પણી: એક આરોપીની ધરપકડ: બે ની શોધખોળ
અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો: સાંસદના જમાઈ વિક્રાંતકુમાર સિતારામ વસાવાએ ફરિયાદ નોંધાવી

ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખભાઈ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સાંસદના જમાઈ વિક્રાંતકુમાર સિતારામ વસાવાએ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં એક આરોપી લાલો નાગજી ડામોરને ઝડપી રાજપીપળા પોલીસ સ્ટેશન લાવ્યો છે જ્યારે અન્ય બેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, ગત 27 જાન્યુઆરી 2026ના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન’ અંતર્ગત એક કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ કરેલા સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે અત્યંત અશ્લીલ, અશોભનીય અને ધમકીભર્યા શબ્દોનો પ્રયોગ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આ વીડિયોમાં આદિવાસી સમાજ વિશે ટિપ્પણી કરી સમાજમાં દ્વેષ અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં સાંસદ મનસુખભાઈ વસાવા દિલ્હી ખાતે બજેટ સત્રમાં વ્યસ્ત હોવાથી, તેમના સોશિયલ મીડિયા હેન્ડલર ભાવિક પુરોહિતે મનસુખભાઈ વસાવાને આ વીડિયો અંગે જાણ કરતા અંતે જમાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વીડિયો લિન્કને પુરાવા સ્વરૂપે રજૂ કરવામાં આવી છે.
રાજપીપળા પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 351(2), 296(b) અને 356(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
