<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

હવે પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણના લીરેલીરા ઉડ્યા :સરપંચના લગ્નપ્રસંગમાં નિયમોનો થયો ઉલાળીયો !!

આગામી સમયમાં સમાજના આગેવાનો એકઠા થઈને જવાબદારોને ઠપકો આપશે

ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું હતુ. જેના નિયમોનો ભંગ કરનારા કલાકાર બંધુ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાત બહાર કરી દેવામાં આવ્યા છે, ત્યારે હવે પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણના લીરેલીરા ઉડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

હકીકતમાં ઠાકોર સમાજના સામાજિક બંધારણમાં લગ્ન જેવા પ્રસંગોમાં ડીજે સહિત બિનજરૂરી ખર્ચાઓ નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામના સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગમાં સમાજના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આ અંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, લગ્ન પ્રસંગ નિમિત્તે માત્ર રાસ-ગરબા જ રાખવામાં આવ્યા હતા. જેમાં કોઈ ડીજે વગાડવામાં નથી આવ્યું, માત્ર કલાકારની રીધમ જ હતી. આથી સમાજના બંધારણનો ભંગ નથી કરવામાં આવ્યો. આમ છતાં આગામી સમયમાં સમાજના આગેવાનો એકઠા થઈને જવાબદારોને ઠપકો આપશે.

પોતાને નાત બહાર કરવાના નિર્ણય પર ઠાકોર કલાકાર બંધુ પૈકીના ગબ્બર ઠાકોરે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે, કોર્ટ પર એકવાર આરોપીને તેનો ગુનો કબૂલ છે, તેમ પૂછતી હોય છે. જો કે આ લોકોએ અમને પૂછ્યા વિના નિર્ણય લઈ લીધો. સારું છે, તેમના નિયમમાં ફાંસીની સજા નથી, નહીંતર આજે મારે મરવું પણ પડ્યું હોત.

ગામના જ ચાર-પાંચ લોકો છે, જેઓ અમને નીચું દેખાડવાની વાત કરે છે. આ લોકો 20 વર્ષનો ધંધો બંધ કરવાની અને દબાવવાની વાતો કરે છે. અમને તેમનો નિર્ણય મંજૂર નથી.

(11:52 PM IST)