News of Friday, 6th February 2026
સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના PA ઉપર પંચ વડે હુમલો: ખળભળાટ
PA ઉપર લકઝરી બસમાંથી ઉતરેલા બે વ્યક્તિ અને ભાજપના ખેસવાળી કારમાં આવેલા લોકોની ઝપાઝપી :હેડ કોન્સ્ટેબલને નાકમાં ફેક્ચર :કારચાલક બિન્દાસ રીતે પાનના ગલે ગયો ત્યાં તેણે સિગરેટ ફૂંકી બાદમાં કાર મૂકી ફરાર

સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના PA ઉપર હુમલો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે, લકઝરી બસમાંથી ઉતરેલા બે વ્યક્તિ અને ભાજપના ખેસવાળી કારમાં આવેલા લોકોએ ઝપાઝપી કરી હતી. પંચ વડે હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને નાકમાં ફેક્ચર થયું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતા કતારગામનો કારચાલક ઘર બંધ કરી ફરાર થઈ ગયો છે.
ઘટના બન્યા બાદ કારચાલક બિન્દાસ રીતે પાનના ગલે ગયો હતો. ત્યાં તેણે સિગરેટ ફૂંકી હતી. બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. કાપોદ્રા પોલીસે કાર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કારમાંથી ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે.
મૂળ ભાવનગર જેસરના બીલાગામના વતની હેડ કોન્સ્ટેબલ અક્ષય આહીર પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવે છે. 5 ફેબ્રુઆરીની રાતે નોકરી પૂરી કરી પોતાની કારમાં ઘરે જતા હતા. 10 વાગ્યાના અરસામાં નાના વરાછા ઢાળ પાસે આરોગ્ય કેન્દ્ર સામે રોડ ઉપર ટ્રાવેલ્સની બસો અને અન્ય વાહનોના કારણે ટ્રાફિકજામ થયો હતો, જેથી તેમણે કારમાંથી ઉતરીને ટ્રાફિક ક્લીયર કરાવવાનું શરૂ કર્યું હતું.
આ સમયે ત્યાં ઉભેલી જય રામદેવ ટ્રાવેલ્સની બસ અને તેની પાસે ઉભેલી કાર નં.જીજે-16-બીકે-7191 ટ્રાફિકમાં અડચણરૂપ હોવાથી અક્ષયે તેમના ચાલકને હટાવવા કહ્યું હતું. આથી બસમાંથી ત્રણ વ્યક્તિ, જ્યારે કારમાંથી ચાલક અને તેની સાથે કે વ્યક્તિ નીચે ઉતરીને તેમની પાસે આવ્યા હતા અને પૂછ્યું હતું કે, અમને ગાડી હટાવવાનું કહેવાવાળો તું કોણ છે? અક્ષયે પોલીસ તરીકેની ઓળખ આપી આઈકાર્ડ બતાવ્યું હતું.
પોલીસ જવાન અક્ષયે આઈકાર્ડ બતાવ્યાં છતાં કારચાલક અને તેની સાથેના વ્યક્તિએ ‘તું પોલીસ હોય તો શું થયું, તારુ કઈ કામ નથી’ તેમ કહી ઝપાઝપી કરી તેમનો હાથ વાળી દીધો હતો. કારચાલકે તેમનું ગળું પકડીને હાથમાં રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે ચારથી પાંચ મુક્કા મારતા લોકો ભેગા થતા તેઓ ભાગી ગયા હતા. અક્ષયને મોઢા અને નાકમાંથી લોહી નીકળતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા તેમને નાકમાં ફ્રેક્ચર થયાનું જાણવા મળ્યું હતું.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
