<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સાબરકાંઠાના પ્રાંતિજમાં ઝેરી કેમિકલથી નકલી દૂધ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું : ફેક્ટરી પર પોલીસના દરોડામાં પાંચ શખ્સોની ધરપકડ

યુરિયા ખાતર, ડિટર્જન્ટ અને પામોલિન ઓઈલના મિશ્રણથી બનતું હતું જીવલેણ ‘સફેદ ઝેર’ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીમાં ૭૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવતા સલાલ વિસ્તારમાં લોકલ પોલીસે માનવ આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા નકલી દૂધના કારખાનાનો પર્દાફાશ કર્યો છે. ઝેરી રસાયણો અને હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી દૂધ બનાવતી ફેક્ટરી પર ત્રાટકેલી પોલીસે ઘટનાસ્થળેથી પાંચ શખ્સોને દબોચી લીધા છે. આ ઓપરેશન દરમિયાન અંદાજે ૭૧ લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે દરોડા:
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સલાલ રેલવે ક્રોસિંગ પાસે આવેલી ‘શ્રી સત્ય ડેરી પ્રોડક્ટ્સ’ નામની યુનિટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમોને સાથે રાખીને સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ ફેક્ટરીમાં કોઈ પણ પ્રકારના પશુ વગર માત્ર કેમિકલ અને પાવડરની મદદથી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું.
જીવલેણ સામગ્રીનો ઉપયોગ:
તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ નકલી દૂધ બનાવવા માટે અત્યંત જોખમી પદાર્થોનો ઉપયોગ થતો હતો. ફેક્ટરીમાંથી યુરિયા ખાતર, ડિટર્જન્ટ પાવડર, કોસ્મેટિક સોડા, પામોલિન ઓઈલ અને દૂધના પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ પદાર્થોનું મિશ્રણ કરી દૂધ જેવું જ સફેદ પ્રવાહી બનાવી બજારમાં વેચવામાં આવતું હતું, જે ગ્રાહકો માટે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત:
પોલીસે ઓપરેશન દરમિયાન મોટા જથ્થામાં તૈયાર કરાયેલું ભેળસેળિયું દૂધ, કાચો માલ અને દૂધ બનાવવા માટે વપરાતા મશીનો તેમજ સાધનો જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત ૭૧ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસે આ ગુનામાં સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે.
તપાસનો ધમધમાટ:
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી દૂધ કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેનું વિતરણ નેટવર્ક કેટલું મોટું છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. સમયસરની આ કાર્યવાહીથી ઝેરી દૂધ બજારમાં પહોંચતા અટકી ગયું છે અને લોકોના સ્વાસ્થ્ય સામેનું મોટું જોખમ ટળ્યું છે.

(11:18 PM IST)