News of Saturday, 7th February 2026
તમામ શ્રમિકોની અકસ્માત સહાયમાં રૂા.૧ લાખનો વધારો
વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં શ્રમ-રોજગારની બજેટમાં જાહેરાત કરાશે, અગાઉની અલગ-અલગ સહાય એક સમાન થશે : તમામ શ્રમિકો માટે હવે રૂપિયા રૂા.૫ લાખની એકસમાન સહાય આપવાની કે સમાન સુરક્ષા કવચ પૂરું પાડવાની જાહેરાત કરાશે

અમદાવાદ તા.૭: ગુજરાતમાં અત્યાર સુધી શ્રમિકો માટે અલગ-અલગ બોર્ડ હેઠળ અલગ-અલગ સહાયની જોગવાઈ હતી, જેના કારણે શ્રમિકોમાં અન્યાયની લાગણી અનુભવાતી હતી. તેને દૂર કરવા હવે, ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો છે કે, રાજ્યના અસંગઠિત ક્ષેત્રના લાખો શ્રમિકો અને બાંધકામ કામદારો વચ્ચે અકસ્માત વળતરની રકમમાં જે તફાવત હતો, તેને હવે દૂર કરાશે.
રાજ્ય વિધાનસભા ગૃહમાં ૧૮ ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૬-૨૭ના આગામી બજેટમાં સરકાર દ્વારા ‘ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના' હેઠળ તમામ શ્રમિકો માટે હવે રૂપિયા રૂા.૫ લાખની એકસમાન સહાય આપવાની કે સમાન સુરક્ષા કવચ પૂરું પાડવાની જાહેરાત કરાશે. રાજ્ય સરકારનો આ નિર્ણય શ્રમયોગીઓને ‘સુરક્ષાની ગેરંટી' આપશે. રૂપિયા રૂા.૧૨ કરોડ જેવી નાની પ્રીમિયમની રકમ સામે લાખો પરિવારોને રૂપિયા ૫ લાખનું કવચ પૂરું પાડવું એ મોડેલ સ્ટેટ તરીકે ગુજરાતની એક ઉત્તમ પહેલ ગણાશે. આ ફેરફારથી રાજ્યના લાખો શ્રમિક પરિવારોને આર્થિક સુરક્ષા મળશે અને અકસ્માત જેવી કપરી પરિસ્થિતિમાં મોટો ટેકો મળી રહેશે. અત્યાર સુધી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં શ્રમિકો કે કામદારોને રૂપિયા ૩ લાખથી રૂા.૪ લાખ સુધીની સહાય મળતી હતી. જે તાજેતરમાં કેટલાક કિસ્સાઓમાં રૂપિયા રૂા.૫ લાખ સુધી લંબાવવામાં આવી હતી.
ગ્રામીણ અને અસંગઠિત શ્રમિકોને પણ ‘ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' હેઠળ આ રકમ માત્ર રૂપિયા રૂા. ૪,૦૦,૦૦૦ હતી. જોકે, તેમાં મુખ્ય ગૂંચ એ હતી કે, રાજ્યના તમામ શ્રમિકો-કામદારોને અલગ-અલગ નિયમો અને પ્રિમિયમની અલગ-અલગ પધ્ધતિઓને કારણે વળતર મેળવવામાં પણ વિલંબ થતો હતો પરંતુ હવે, શ્રમિ-રોજગાર વિભાગે આગામી બજેટમાં આ નવી યોજના રજૂ કરીને રાજ્યના શ્રમિકોની વીમ સુરક્ષા હેઠળની સ્થિતિ બદલવાનું નક્કી કર્યું છે. જે મુજબ નવી યુનિફોર્મ પેટર્ન અમલ લવાશે અને તમામ શ્રમિકો-કામદારોને અકસ્માત વીમા વળતર પેટે એકસમાન રૂપિયા રૂા.૫ લાખની સહાય અપાશે.
આ વધારાથી ૧૨ લાખ શ્રમિકો પર કેવી અસરો, શ્રમિકોના પરિવારો પર શું પ્રભાવ પડશે ?
ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિ સાથે અકસ્માત થાય ત્યારે રૂપિયા ૧ લાખનો વધારો (રૂા.૪ લાખથી વધીને રૂા.૫ લાખ) ગરીબ પરિવારને દેવામાંથી બચાવવા અને બાળકોના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
શહેરના બાંધકામ શ્રમિક અને ગામડાના ખેતમજૂર કે છૂટક મજૂર વચ્ચેના ભેદભાવ દૂર થતા સામાજિક ન્યાય પ્રસ્થાપિત થશે.
વીમા નિયામક દ્વારા સીધું સંચાલન થવાથી વચેટિયાઓની ભૂમિકા ખતમ થશે અને ‘ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર' (DBT) દ્વારા નાણાં સીધા વારસદારના ખાતામાં જમા થશે.
શ્રમ-રોજગાર વિભાગ હવે તમામ શ્રમિકોને એક જ છત્ર નીચે લાવશે
હવે બાંધકામ ક્ષેત્રના હોય કે ગ્રામીણ અસંગઠિત ક્ષેત્રના, અકસ્માતે મૃત્યુ કે ૧૦૦ ટકા અપંગતાના કિસ્સામાં પરિવારને સીધા રૂપિયા રૂા. ૫,૦૦,૦૦૦ની સહાય મળશે.
રાજ્યના ૧૨ લાખ નોંધાયેલા શ્રમિકો માટે રાજ્ય સરકાર વાર્ષિક અંદાજે રૂપિયા ૧૨ કરોડનું પ્રીમિયમ પોતે ભરશે, શ્રમિકોએ આ સુરક્ષા માટે કોઈ આર્થિક ભારણ વેઠવું પડશે નહીં.
આ યોજનાનું સંચાલન ‘વીમા નિયામક' ની કચેરી દ્વારા કરવામાં આવશે, જેથી વળતરની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનશે
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
