News of Saturday, 7th February 2026
ગુજરાતમાં ટ્રાફિક પોલીસ સાથે હવે 5 હજારથી વધુ TRB જવાનો તૈનાત: સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી. સાહિત્યા વી.
1,600 જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી થઈ શકે, પાંચ જિલ્લામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ

સુરત :ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. હવે ટ્રાફિક પોલીસની સાથે સાથે ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો પણ ટ્રાફિક નિયંત્રણની જવાબદારી સંભાળશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ટ્રાફિક જામની સમસ્યા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને વધુમાં વધુ TRB જવાનોની ભરતી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાને રાજ્યના પાંચ મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, ગાંધીનગર, તાપી અને સુરેન્દ્રનગરમાં TRB જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ભરતી ચાલુ છે. કેટલાક શહેરોમાં TRB જવાનોની તાલીમ પણ પૂર્ણ થવાની કગાર પર છે. ટ્રાફિક બ્રિગેડના આ જવાનો ટ્રાફિક પોલીસની સાથે ખભે ખભો મિલાવી માર્ગ વ્યવસ્થા સંભાળશે, જેના કારણે આવનારા સમયમાં ટ્રાફિક જામની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં 2,608 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.....
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી. સાહિત્યા વી. (IPS)એ જણાવ્યું કે, રાજ્યમાં TRB જવાનોનું મંજૂર મહેકમ 10,602 છે, જેની સામે હાલ 7,998 જવાનો ફરજ બજાવી રહ્યા છે. હાલ 2,608 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાંથી અત્યાર સુધીમાં 1,054 જગ્યાઓ ભરાઈ ચૂકી છે. બાકીની અંદાજે 1,600 જગ્યાઓ ટૂંક સમયમાં ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવનારા સમયમાં રાજ્યમાં 5 હજારથી વધુ TRB જવાનોની નવી ભરતી થશે. ગુજરાતમાં શહેરવાર વાત કરીએ તો અમદાવાદમાં 794, સુરતમાં 158, રાજકોટમાં 132, વડોદરામાં 89, અમદાવાદ ગ્રામ્યમાં 526, ગાંધીનગરમાં 192, સુરેન્દ્રનગરમાં 31 અને તાપીમાં 22 TRB જવાનોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ-ભુજ, ભરૂચ, નવસારી, વલસાડ, મોરબી, જામનગર, ભાવનગર સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં TRB જવાનોની ભરતી ચાલુ છે.અમદાવાદમાં સૌથી વધુ TRB જવાનોની ભરતી થવાની છે .....? આ ભરતીથી એક તરફ ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે તો બીજી તરફ અનેક યુવાનોને રોજગારી પણ મળશે. TRB જવાનોને અંદાજિત રૂ.450 દૈનિક ભથ્થું આપવામાં આવશે.
ગુજરાતમાં અનધિકૃત LED લાઈટ સામે પણ કાર્યવાહી થશે......?
ગુજરાતમાં ટ્રાફિક વ્યવસ્થાની સાથે સાથે અનધિકૃત LED લાઈટ સામે પણ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. એસ.પી. સાહિત્યા વી.એ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MoRTH) તરફથી કંઈ LED લાઈટ માન્ય છે અને કઈ નથી તેની સ્પષ્ટ ગાઈડલાઈન આવવાની છે.
ગુજરાતમાં LED લાઈટ વેચાણ કરતા ડીલરો સામે કાર્યવાહી થશે.....?
ગુજરાતના ગુહ મંત્રાલય દ્વારા થયેલા નિર્દેશ બાદ હાલ ઇન્ચાર્જ ડીજીપી ડો કે એલ રાવ તરફથી તાત્કાલિક એક જનરલ સૂચના આપવામાં આવી છે કે જ્યાં પણ અનઓથોરાઈઝ્ડ LED લાઈટ જોવા મળે ત્યાં કાર્યવાહી કરવામાં આવે. આ અંતર્ગત અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં RTO સાથે સંકલનમાં રહી ડ્રાઈવ ચાલી રહી છે. LED લાઈટ વેચાણ કરતા ડીલરો સામે કાર્યવાહી કરવા માટે અલગ પોલિસી નક્કી કરવાની જરૂર હોવાનું પણ જણાવાયું છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ટ્રાફિક નિયંત્રણ વધુ અસરકારક બનશે અને શહેરો-જિલ્લાઓમાં છાસવારે જોવા મળતા ટ્રાફિક જામના દ્રશ્યોમાં ઘટાડો થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
