<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

અમદાવાદના જમાલપુરમાં કાળજું કંપાવતી ઘટના : મસ્જિદમાં નમાજ પઢવા આવેલા નરાધમે ૮ વર્ષના માસૂમ સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

બાળકને વાતોમાં ફસાવી મસ્જિદની છત પર લઈ જઈ નૌમાન શેખે અપ્રાકૃતિક કૃત્ય કર્યું : CCTV ફૂટેજમાં પુરાવા મળતા ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ, તા. 7 ફેબ્રુઆરી : શહેરના જમાલપુર વિસ્તારમાં આસ્થાના કેન્દ્ર સમાન મસ્જિદમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મસ્જિદમાં નમાજ અદા કરવા આવેલા એક યુવકે ૮ વર્ષના માસૂમ બાળકને હવસનો શિકાર બનાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી નૌમાન શેખ નામના આરોપીની ધરપકડ કરી લીધી છે.
બાળકને લલચાવી છત પર લઈ ગયો:
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી નૌમાન શેખ નમાજ પઢવાના બહાને મસ્જિદમાં આવ્યો હતો. ત્યાં અન્ય બાળકો રમી રહ્યા હતા, તેમાંથી તેણે એક ૮ વર્ષના માસૂમ બાળક પર નજર બગાડી હતી. આરોપીએ બાળકને વાતોમાં ફસાવ્યો હતો અને પટાવી-ફોસલાવીને તેને મસ્જિદની છત પર લઈ ગયો હતો. ત્યાં નિર્જન જગ્યાનો લાભ ઉઠાવી નરાધમે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અપ્રાકૃતિક કૃત્ય આચર્યું હતું.
CCTV ફૂટેજમાં કરતૂત કેદ થઈ:
કૃત્ય આચર્યા બાદ આરોપી અને બાળક બંને નીચે આવ્યા હતા. ડરી ગયેલા બાળકે ઘરે પહોંચીને રડતા-રડતા પોતાના પરિવારજનોને સમગ્ર આપવીતી જણાવી હતી. પરિવારે આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધીને મસ્જિદના CCTV કેમેરા તપાસતા આરોપીની કરતૂત કેદ થયેલી જોવા મળી હતી. ફૂટેજમાં આરોપી બાળકને ઉપર લઈ જતો અને ત્યારબાદ નીચે લાવતો સ્પષ્ટ દેખાયો હતો.
પોલીસની કડક કાર્યવાહી:
પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાળકના નિવેદનના આધારે નૌમાન શેખની શોધખોળ કરીને તેની ધરપકડ કરી છે. પીડિત બાળકની મેડિકલ તપાસ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય. પવિત્ર સ્થળ પર બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

(3:28 PM IST)