હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં ICC T-20 વર્લ્ડ કપનો જંગ : ક્રિકેટ પ્રેમીઓ માટે મેચના દિવસોમાં મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી દોડશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ડે-નાઈટ મેચોને પગલે GMRCનો મહત્વનો નિર્ણય : મોટેરાથી પરત ફરવા ₹ ૫૦ ની સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પડાઈ : સ્ટેશનો પર ટિકિટની લાઈનોમાંથી મુક્તિ મળશે

અમદાવાદ, તા. 7 ફેબ્રુઆરી : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી ICC મેન્સ T-20 વર્લ્ડ કપની ડે/નાઈટ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૯, ૧૧, ૧૪, ૧૮, ૨૨, ૨૬ ફેબ્રુઆરી અને ૦૮ માર્ચ ૨૦૨૬ (ફાઈનલ મેચ અમદાવાદમાં હોય તો) ના રોજ રમાનારી આ મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવાઓના સમયમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સ્ટેડિયમથી મોડી રાત્રે પરત ફરતા હજારો દર્શકોની સુવિધા માટે મેટ્રો સેવાઓ રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો છે.
વધારાની સ્પેશિયલ મેટ્રો સેવાઓનું આયોજન:
સામાન્ય રીતે અમદાવાદમાં મેટ્રો રાત્રે ૧૦ વાગ્યે અને ગાંધીનગરમાં રાત્રે ૭:૪૦ વાગ્યે બંધ થઈ જાય છે, પરંતુ મેચના દિવસોમાં રાત્રે ૧૦ વાગ્યા પછી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. મોટેરા સ્ટેડિયમથી એપીએમસી સુધી મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી ટ્રેનો મળશે. જ્યારે ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તરફ જવા માટે રાત્રે ૧૨:૫૦ વાગ્યા સુધી સેવાઓ ઉપલબ્ધ રહેશે. ગાંધીનગર તરફ જવા માંગતા મુસાફરો માટે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે ૧૧:૪૦ અને ૧૨:૧૦ વાગ્યે બે ખાસ વધારાની ટ્રેનો ઉપડશે.
પ્રવેશ માટેના નિયમો અને સ્ટેશનોની મર્યાદા:
રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૨:૩૦ વાગ્યા સુધીના લંબાવેલા સમય દરમિયાન મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ ટ્રેનમાં બેસી શકશે. જોકે, મુસાફરો આ બંને સ્ટેશનથી ઉપડીને અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર પરના કોઈપણ કાર્યરત સ્ટેશન પર ઉતરી શકશે. આ સમયગાળા દરમિયાન નિયમિત ક્યૂઆર કોડ કે ટોકન માન્ય રહેશે નહીં અને માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ દ્વારા જ પ્રવેશ મળશે. સ્માર્ટ કાર્ડ કે એનસીએમસી કાર્ડ ધારકો રાબેતા મુજબ રાત્રે ૧૦ વાગ્યા સુધી મુસાફરી કરી શકશે.
₹ ૫૦ ની ફ્લેટ રેટ સ્પેશિયલ પેપર ટિકિટ:
મુસાફરોની સુવિધા અને ટિકિટ વિન્ડો પરની ભીડ ઘટાડવા માટે GMRC એ ₹ ૫૦ ના ફ્લેટ ભાડા સાથે સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. આ ટિકિટ દ્વારા મોટેરા કે સાબરમતીથી અમદાવાદના કોઈપણ સ્ટેશન અથવા ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી મુસાફરી કરી શકાશે. મુસાફરો આ ટિકિટ મેચના દિવસે અગાઉથી નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, જીએનએલયુ, ઇન્ફોસિટી અને સેક્ટર-૧ જેવા સ્ટેશનો પરથી ખરીદી શકશે, જેથી મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમ પાસે લાઈનમાં ઊભા રહેવું ન પડે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
