<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ફ્લિપકાર્ટ-એમેઝોન સાથે 'સ્વિચ એન્ડ સ્કેમ' કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૫ સાગરીતોને દબોચ્યા : મોંઘા આઈફોન કાઢી ડમી પ્રોડક્ટ પધરાવી દેતી ટોળકીનો પર્દાફાશ

કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે ઘૂસણખોરી કરી આચરતા કરોડોની છેતરપિંડી : ૨૦.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત : પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક‌, જોઇન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ‌ના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઢોલા અને ટીમને મળી અદભુત સફળતા

રાજકોટ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા નામાંકિત ઓનલાઇન પ્લેટફોર્મ્સ સાથે છેતરપિંડી કરતી એક અત્યાધુનિક અને વ્યવસ્થિત આંતરરાજ્ય ગુનાહિત ટોળકીને ઝડપી પાડી છે. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઇન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણ અને પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઢોલાની ટીમે આ "સ્વિચ એન્ડ સ્કેમ" કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ લોજિસ્ટિક્સ ચેઇનમાં ઘૂસણખોરી કરી કિંમતી ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની જગ્યાએ આબેહૂબ ડમી પ્રોડક્ટ્સ બદલી નાખવાની પદ્ધતિથી છેતરપિંડી આચરતી હતી.
મોડસ ઓપરેન્ડી: હાઈ-ટેક લૂંટ અને છેડછાડ
આ ગેંગના સભ્યો અત્યંત સાવચેતીપૂર્વક ગુનાને અંજામ આપતા હતા. ગેંગનો મુખ્ય સૂત્રધાર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજસ્થાનના જાલોરમાં કુરિયર સર્વિસમાં પોતાના માણસોને ડિલિવરી બોય તરીકે નોકરી પર રખાવતો હતો. ગેંગ દ્વારા ફેક આઈડીથી મોંઘા ગેજેટ્સ ઓર્ડર કરવામાં આવતા હતા. પાર્સલ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં જ કંપનીમાં સેટિંગ ધરાવતો ડિલિવરી બોય તે પાર્સલ મેળવી લેતો હતો. ખાસ સ્ટીલના સાધનો, ગ્લુ રિમૂવર અને સિરીંજનો ઉપયોગ કરી પાર્સલને એવી રીતે ખોલવામાં આવતું કે પેકેજિંગ સાથે છેડછાડ થઈ હોય તેવું જણાય નહીં. અસલ પ્રોડક્ટ કાઢી તેની જગ્યાએ ડમી પ્રોડક્ટ મૂકી ઓર્ડરને 'કેન્સલ' અથવા 'રિટર્ન' કરી દેવામાં આવતો હતો.
પકડાયેલ આરોપીઓ અને મુદ્દામાલ:
ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશનમાં કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી છે:
૧. રામલાલ ઉર્ફે રોમિલ ગેહલોત (૨૭), રહે. જાલોર, રાજસ્થાન.
૨. મનોજ કુમાર માલી (૩૦), રહે. જાલોર, રાજસ્થાન.
૩. ભરત કુમાર સુંદેશા (માલી) (૨૫), રહે. જાલોર, રાજસ્થાન.
૪. વિશાલ હસમુખભાઈ પંચાલ (૨૯), રહે. કતારગામ, સુરત.
૫. વિશાલ કાનજીભાઈ બાવરી, રહે. અમદાવાદ.
જ્યારે રિષિપાલ ભાટી અને વિનોદ (બંને રહે. જાલોર) ને વોન્ટેડ જાહેર કરાયા છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૨૦,૫૨,૫૭૪/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ૦૮ અસલ મોબાઈલ, ૨૫ ડમી મોબાઈલ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેન્સ, સ્કેમ કિટ (ગ્લુ રિમૂવર, સિરીંજ, સ્ટીલ ટૂલ્સ) અને ગુનામાં વપરાતી માહિન્દ્રા સ્કોર્પિયો કારનો સમાવેશ થાય છે.
ભૂતકાળના ગુનાઓની કબૂલાત:
પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ જાન્યુઆરી ૨૦૨૬માં વડોદરા ખાતેથી આઈફોન ૧૭ પ્રો મેક્સ અને ત્રણ આઈફોન ૧૬ પ્રો ની છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત ઓક્ટોબર ૨૦૨૫માં સુરતમાંથી ૦૭ મોબાઈલ અને ૧૦ એપલ વોચ તેમજ ડિસેમ્બર ૨૦૨૫માં જાલોરમાં ૨ એપલ વોચની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું છે. ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આ અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૬૧(૨)(એ) અને ૩૧૬(૫) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:42 PM IST)