તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th February 2026
વડોદરામાં MGVCLનો મેગા વીજ-દરોડો: પાણીગેટ અને માંડવીના ગલી-કૂંચીઓમાં ૨૪ ટીમો ત્રાટકી, રૂ.૨૫.૩૭ લાખની વીજ ચોરી પકડાઈ
પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ૮૭૨ ઘરોમાં વ્યાપક સર્ચ ઓપરેશન; લંગરિયા નાખી સીધી ચોરી કરતા ૨૫ અને ગેરરીતિ કરતા ૬ કિસ્સાઓ ઝડપાયા - શંકાસ્પદ ૧૦ મીટરો લેબોરેટરીમાં મોકલાયા, વીજ માફિયાઓમાં ભારે ફફડાટ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ગરમીનો પારો ઉંચકાતાની સાથે જ વીજ વપરાશ વધ્યો છે, ત્યારે આ તકનો લાભ ઉઠાવી વીજ ચોરી કરતા લોકો પર MGVCL એ લાલ આંખ કરી છે. રવિવારે વહેલી સવારે વડા કચેરીના વિજિલન્સ વિભાગના માર્ગદર્શન હેઠળ શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા પાણીગેટ અને માંડવી વિસ્તારમાં વીજ કંપનીની ૨૪ ટીમો ત્રાટકી હતી. પોલીસ કાફલાની હાજરીમાં શરૂ થયેલી આ કામગીરીને પગલે અનેક વિસ્તારોમાં નાસભાગ મચી ગઈ હતી. અધિકારીઓએ ઘરે-ઘરે જઈ મીટરો અને વાયરિંગની તપાસ કરી હતી, જેમાં કરોડોની કિંમતની વીજળી ચોરાતી હોવાનું બહાર આવ્યું છે.
આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ટીમોએ કુલ ૮૭૨ વીજ જોડાણોને બારીકાઈથી તપાસ્યા હતા. જેમાં ૨૫ કિસ્સાઓમાં સીધી લાઈનમાંથી લંગરિયા નાખીને વીજળી ચોરવામાં આવતી હોવાનું રંગેહાથ પકડાયું હતું. આ ઉપરાંત, ૬ જોડાણોમાં ટેકનિકલ ગેરરીતિ અને ૧૦ મીટરો સાથે છેડછાડ થઈ હોવાની શંકા જણાતા તેને સીઝ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, આ વીજ ચોરીને કારણે સરકારી તિજોરીને અંદાજે રૂ.૨૫.૩૭ લાખનું નુકસાન થયું છે, જેની વસૂલાત માટે આકરા દંડની આકારણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
તંત્ર દ્વારા આ ઝુંબેશ માટે ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જેમાં બાવામાનપુરા, મદાર મહોલ્લા, ફતેપુરા, બાવચાવાડ, અજબડી મીલ, અને પાણીગેટ શાક માર્કેટ જેવા ગીચ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સિવાય જમનાબાઈ હોસ્પિટલ પાછળ, હાથીખાના રોડ, પટેલ ફળિયા, રાજપુત ફળિયા, ખાટકીવાડ અને ભદ્ર કચેરી રોડ પર પણ વીજ કંપનીએ સપાટો બોલાવ્યો હતો. અનેક જગ્યાએ વીજ કંપનીના વાયરો પર ડાયરેક્ટ આંકડા નાખીને એસી અને ઘરઘંટી ચલાવતા કિસ્સાઓ જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
MGVCLના ડેપ્યુટી એન્જિનિયરે આ કાર્યવાહી અંગે કડક વલણ અપનાવતા જણાવ્યું કે, પ્રામાણિક ગ્રાહકોને પૂરતી વીજળી મળી રહે અને તંત્રને નુકસાન ન થાય તે માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. વીજ ચોરી એ ગંભીર ગુનો છે અને ઝડપાયેલા તમામ લોકો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી વડોદરાના પૂર્વ વિસ્તારમાં વીજ ચોરી કરતા તત્વોમાં અત્યારે સન્નાટો વ્યાપી ગયો છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
