તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th February 2026
અમદાવાદ: SP રિંગ રોડ પર ‘કટ’ બંધ થતા જનવિસ્ફોટ, હજારો રહીશોએ સહી ઝુંબેશ સાથે કર્યો ચક્કાજામ
વૈષ્ણોદેવી-ઝુંડાલ વચ્ચે 6 કિમીના વધારાના ફેરાથી 2 લાખ લોકોમાં રોષ; "જો એમ્બ્યુલન્સ મોડી પડતા દર્દીનું મોત થશે તો અધિકારીઓ સામે FIR કરીશું" તેવી સ્થાનિકોની ચીમકી, પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ

અમદાવાદ: શહેરના વ્યસ્ત ગણાતા એસપી રિંગ રોડ પર હિલ્લોક ચાર રસ્તા પાસેનો રોડ કટ તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોનો પિત્તો ગયો છે. આ નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ વૈષ્ણોદેવી સર્કલ પાસે રસ્તો રોકીને ચક્કાજામ કરતા અડધો કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી. સ્થિતિ વણસતા ચાંદખેડા પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત તેમજ સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
ડાયવર્ઝનને કારણે 6 કિમીનો ધક્કો, એમ્બ્યુલન્સ માટે ખતરો સ્થાનિકોનો આક્ષેપ છે કે હિલ્લોક હોટલ પાસેનો કટ બંધ થવાથી અંદાજે બે લાખ લોકોને સીધી અસર થઈ છે. હવે વાહનચાલકોએ યુ-ટર્ન લેવા, પેટ્રોલ પુરાવવા કે બાળકોને શાળાએ મૂકવા માટે ઝુંડાલ કે વૈષ્ણોદેવી તરફ 3-3 કિમીનો લાંબો ફેરો ખાવો પડે છે. સ્થાનિક અગ્રણી રાહુલ પટેલે ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે, કટોકટીના સમયે એમ્બ્યુલન્સને પણ 6 કિમી વધુ ફરવું પડે છે. જો ટ્રાફિક કે લાંબા અંતરને કારણે કોઈ પેશન્ટનું મોત થશે, તો તેની જવાબદારી કોની? તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે આવી સ્થિતિમાં જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે.
RTI અને સહી ઝુંબેશ દ્વારા તંત્ર સામે મોરચો વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ એક સહી ઝુંબેશ શરૂ કરી છે જેમાં હજારો લોકો જોડાઈ રહ્યા છે. રહીશોના મતે, માત્ર 25 અરજીઓના આધારે આટલો મોટો નિર્ણય કેવી રીતે લેવાયો તે શંકાસ્પદ છે. આ મુદ્દે ઔડા (AUDA) માં RTI પણ કરવામાં આવી છે, જેમાં સંકલન બેઠકની મિનિટ્સ અને નિર્ણય લેનારા અધિકારીઓના નામ જાહેર કરવાની માંગ કરાઈ છે. હાલમાં લોકોની એક જ જીદ છે કે જ્યાં સુધી કટ ફરીથી ખોલવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
