તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 8th February 2026
સાબરકાંઠામાં મોતનું મિશ્રણ: ડિટર્જન્ટ અને યુરિયામાંથી બનતું 'સફેદ ઝેર' ઝડપાયું, 71 લાખનો મુદ્દામાલ જપ્ત
સલાલની ‘સત્યા ડેરી’માં દૂધના નામે પિરસાઈ રહ્યું હતું કેમિકલ; કપડાં ધોવાના પાવડર અને તેલનો ઉપયોગ કરી બનતી ઝેરી છાશ, 4 નરાધમોની ધરપકડથી ફફડાટ

હિંમતનગર/પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે ચાલતા એક એવા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે જે સાંભળીને કોઈપણના રુંવાડા ઉભા થઈ જાય. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ‘સત્યા ડેરી પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર ત્રાટકીને નકલી દૂધ બનાવતા મસમોટા નેટવર્કને ઉઘાડું પાડ્યું છે. રેલ્વે ક્રોસિંગ પાસે આવેલી આ ફેક્ટરીમાં દૂધના નામે ઝેરી કેમિકલનું ઉત્પાદન કરી લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવતા હતા. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹71.29 લાખનો જંગી મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરીને સીલ મારી દીધી છે.
દૂધમાં ફીણ લાવવા ડિટર્જન્ટ અને ફેટ વધારવા યુરિયાનો ઉપયોગ આ દરોડા દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે દૂધ તૈયાર કરવાની પ્રક્રિયા અત્યંત ભયાનક હતી. આરોપીઓ દૂધમાં કુદરતી ફીણ લાવવા માટે કપડાં ધોવાનો ડિટર્જન્ટ પાવડર વાપરતા હતા. એટલું જ નહીં, દૂધમાં ફેટનું પ્રમાણ બતાવવા અને તેને ઘટ્ટ કરવા માટે ખેતીમાં વપરાતું યુરિયા ખાતર, કોસ્ટિક સોડા અને પામોલિન તેલનું મિશ્રણ કરવામાં આવતું હતું. દૂધ જેવો આબેહૂબ દેખાવ આપવા માટે સોયાબીન તેલ અને વ્હે પ્રોટીન પાવડરનો પણ છૂટથી ઉપયોગ થતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
‘તાજા’ અને ‘ગોલ્ડ’ના નામે મોતનું વેચાણ આરોપીઓ આ ઝેરી પ્રવાહીને આકર્ષક પાઉચમાં પેક કરીને બજારમાં જાણીતી બ્રાન્ડ્સ જેવું દેખાય તે રીતે ‘તાજા’ અને ‘ગોલ્ડ’ મિલ્કના નામે વેચતા હતા. આ નકલી દૂધ અને છાશ આસપાસના ગામડાઓના પાર્લરોમાં સપ્લાય કરવામાં આવતું હતું. તંત્રએ જપ્ત કરેલા તમામ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં આ દૂધ લાંબા સમય સુધી પીવાથી કિડની અને લીવર ફેઈલ થવા જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે.
તંત્રની લાલ આંખ: 4 શખ્સો જેલના સળિયા પાછળ આ મામલે પોલીસે ફેક્ટરીના માલિક સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને કયા કયા પાર્લરોમાં આ દૂધ વેચવામાં આવ્યું છે તે અંગે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠામાં આટલા મોટા પાયે નકલી દૂધનું કારખાનું ઝડપાતા અન્ય ડેરી સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય જનતાને પણ દૂધ ખરીદતી વખતે વધુ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
