તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 8th February 2026
અંબાજીમાં ગબ્બર પર્વત પર ડિમોલિશન કાર્યવાહી : તળેટીમાં આવેલી ચાર દુકાનોનું દબાણ હટાવાયું
હાઈકોર્ટમાંથી આ સ્ટે હટી જતાં વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી પગલાં લઈ દબાણવાળી દુકાનોનું ડિમોલિશન કર્યું

પ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાંના એક એવા અંબાજીમાં આજે વહેલી સવારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગબ્બર પર્વતની તળેટીમાં આવેલી ચાર જેટલી દુકાનોના દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે. આ દુકાનો હટાવવા બાબતે અગાઉ કોર્ટનો સ્ટે હોવાને કારણે કાર્યવાહી અટકી પડી હતી. પરંતુ હવે હાઈકોર્ટમાંથી આ સ્ટે હટી જતાં વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી પગલાં લઈ દબાણવાળી દુકાનોનું ડિમોલિશન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી નજીક આવેલા પવિત્ર યાત્રાધામ ગબ્બર તળેટી વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે દબાણ હટાવવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગબ્બર પ્લાઝાના નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને કરાયેલી આ કામગીરીમાં પાંચ જેટલી દુકાનોને જેસીબીની મદદથી દૂર કરવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં નારાજગી જોવા મળી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વહેલી પરોઢિયે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગતરોજ જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગબ્બર ખાતે રૂ. 950 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ યોજનાઓમાં ગબ્બર પ્લાઝાનો પણ સમાવેશ થાય છે, જેના નિર્માણ માટે આ દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. જોકે, વહેલી સવારે અચાનક શરૂ કરાયેલી ડિમોલેશનની કામગીરીથી દુકાનદારો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્રની આ કાર્યવાહી સામે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
