તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th February 2026
સુરતના અમરોલી વિસ્તારમાં બાળકોના ઝઘડામાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો: પુત્રનું મોત : પિતા ગંભીર
કોસાડ આવાસમાં એચ-1 માં બાળકો વચ્ચે કોઈ બાબતે ઝગડો થતા મૃતક તેમને સમજાવવા ગયા હતા. પાછળથી આવીને કેટલાક લોકોએ તેમના પર ચાકુથી માર્યો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં બાળકોના ઝઘડામાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે પિતા હાલ હોસ્પિટલમાં છે. આ સમગ્ર મામલે અમરોલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે સુરતના અમરોલી કોસાડ આવાસમાં નાના બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો થાળે પાડવા 30 વર્ષીય મોહમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા તેમના પિતા સાથે ગયા હતા. આ દરમિયાન સામે પક્ષવાળા લોકો ઉશ્કેરાઈ ગયા હતા, અને બંને પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
આ ઘટનામાં મહોમ્મદ ફરીદનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું છે. જ્યારે તેના પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોહમ્મદ ફરીદ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તેમને સંતાનમાં બે નાના બાળકો છે. ફરીદના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે પરિવારના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગયી હતી. આ મામલે અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
"મૃતકનું નામ 30 વર્ષીય મહોમ્મદ ફરીદ છે અને તેના પિતાનું નામ અઝીઝ બંબાવાલા છે. તેના બે નાના બાળકો છે. અમને પોલીસ પર ભરોસો છે કે પોલીસ ન્યાય અપાવશે, અમને ન્યાય જોઈએ છે." -- મૃતકના સંબંધી
મૃતકના સંબંધી ભીખન મુનશી શેખે જણાવ્યું હતું કે, કોસાડ આવાસમાં એચ-1 માં આ ઘટના બની હતી. ત્યાં બાળકો વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો. આથી મૃતક તેમને સમજાવવા ગયા હતા. પાછળથી આવીને કેટલાક લોકોએ તેમના પર ચાકુથી માર્યો હતો, તેના પિતાને પણ માર્યા છે. તેના પિતા હાલ હોસ્પિટલમાં દાખલ છે, તેમની હાલત ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
