<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

નવસારીના આશાબાગ વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્રની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો :આરોપીની ધરપકડ

પોલીસે લૂંટાયેલું સોનું અને ગુનામાં વપરાયેલ બાઈક સહિત કુલ રૂપિયા 1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તાજેતરમાં આશાબાગ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર લૂંટવાની બનેલી ઘટનાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટાયેલું સોનું અને ગુનામાં વપરાયેલ બાઈક સહિત કુલ રૂપિયા 1.68 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. 

પકડાયેલા આરોપીની ઓળખ દિલીપભાઈ રાવલ (રહે. કબીલપોર, મૂળ રાજસ્થાન) તરીકે થઈ છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તે બેરોજગાર હતો અને તેના પર દેવું વધી ગયું હતું. ટૂંકા રસ્તે વધુ પૈસા કમાવવાની લાલચે તેણે ચેઈન સ્નેચિંગનો પ્લાન બનાવ્યો હતો. ગત ૪ ફેબ્રુઆરીના રોજ આશાબાગ રોડ પર એકલતાનો લાભ લઈ તેણે વૃદ્ધ મહિલાને નિશાન બનાવી હતી.

આ ગુનાની ગંભીરતાને જોઈ સુરત રેન્જ IG પ્રેમવીર સિંહ અને નવસારી SP રાહુલ પટેલની સૂચનાથી ખાસ ટીમો બનાવવામાં આવી હતી. LCB PI વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) વીડિયો ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી હતી. બાતમી મળી હતી કે આરોપી વિરાવળથી ભેંસતખાડા જવાના રોડ પરથી પસાર થવાનો છે, જેના આધારે PSI એમ.બી. ગામીતની ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1,28,380ની કિંમતનું સોનું (લગડી સ્વરૂપે), રૂપિયા 10,000નો મોબાઈલ અને રૂપિયા 30,000ની કિંમતનું હોન્ડા સાઈન બાઈક (GJ-21-AN-8784) મળી કુલ રૂપિયા 1,68,380ની મતા જપ્ત કરી છે. પોલીસે હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(7:59 PM IST)