News of Tuesday, 10th February 2026
ગુજરાતમાં ગુનાહિત સામ્રાજ્ય જમાવવાનો રાજસ્થાનની રવિ ગોદારા ગેંગનો મનસૂબો નિષ્ફળ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 7 કલાકના દિલધડક ઓપરેશન બાદ કોટાના બે કુખ્યાત શાર્પશૂટરોને દબોચ્યા
પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણની ટીમની મેગા કાર્યવાહી : હત્યા અને ખંડણી જેવા 20થી વધુ ગુનામાં સંડોવાયેલા અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુ ઝડપાતા ખળભળાટ

રાજકોટ, તા. 10 : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંગઠિત અપરાધ સામે મોટી સફળતા મેળવતા રાજસ્થાનના કોટાની કુખ્યાત રવિ ગોદારા ગેંગના બે શાર્પશૂટરોને ઝડપી પાડ્યા છે. ખંડણી અને હત્યા જેવા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલી આ ગેંગ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પોતાનું નેટવર્ક ફેલાવવાની પેરવીમાં હતી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચના ૭ કલાકના હાઈ-વોલ્ટેજ ઓપરેશનને કારણે તેમનો મનસૂબો ધૂળમાં મળી ગયો છે.
દિલધડક ચેઝ અને ધરપકડ
ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ શહેરમાં વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન આરોપીઓએ ધરપકડથી બચવા માટે ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ સતત ૭ કલાક સુધી પીછો (Chase) કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વ્યુહરચનાના જોરે બંનેને કોઈ પણ ગુનાને અંજામ આપે તે પહેલાં જ દબોચી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
૧. અમન ઉર્ફે બચ્ચા (એહસાનઅલી સૈયદ), ઉંમર ૨૫: રહેઠાણ - બકરા મંડી, સાજીદ ઈડા, કિશોરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર, કોટા.
૨. સુહેબ ઉર્ફે ચિન્ટુ (ફિરોઝખાન પઠાણ), ઉંમર ૨૬: રહેઠાણ - પાટણપોલ, કેતુની પોલ પોલીસ સ્ટેશન વિસ્તાર, કોટા.
હિંસક ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ અત્યંત હિંસક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમની સામે અત્યાર સુધી ૨૦થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મુખ્યત્વે સંગઠિત ખંડણી (Extortion), હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ (શાર્પશૂટર) અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. ગુપ્ત માહિતી મુજબ, આ જોડી તાજેતરમાં જ રવિ ગોદારા ગેંગમાં જોડાઈ હતી અને અમદાવાદમાં ખંડણીનું નેટવર્ક ઊભું કરવા તેમજ સ્થાનિક ટાર્ગેટ શોધવાના ઈરાદે આવી હતી.
આગામી તપાસ
પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રાજસ્થાન પોલીસ સાથે સતત સંકલન સાધી રહી છે. પ્રાથમિક કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ બંને શખ્સોને આગળની તપાસ માટે કોટા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
