<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં નવનિયુક્ત કેબિનેટ અને રાજ્યકક્ષા મંત્રીઓને‘નેવા’ એપ્લિકેશનની તાલીમ અપાઈ : નવનિયુક્ત મંત્રીઓની કામગીરી વધુ સરળ બને તે માટે ‘નેવા’ એપ્લિકેશન ખુબ ઉપયોગી : શંકરભાઈ ચૌધરી

‘વન નેશન વન એપ્લિકેશન’ની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કલ્પના મુજબ ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતે મક્કમ પગલું ભરી વિધાનસભા સત્રની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી

  અમદાવાદ તા.૧૦  : આજે વિધાનસભાના નેવા સેવા કેન્દ્ર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં નવનિયુક્ત કેબિનેટ અને રાજ્યકક્ષા મંત્રીશ્રીઓને ‘નેવા’ એપ્લિકેશનની તાલીમ આપવામાં આવી હતી.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત હરહંમેશ ટેક્નોલોજીનો સફળતા પૂર્વક ઉપયોગ કરતું રહ્યું છે. ગુજરાત વિધાનસભાનું તમામ કામકાજ ઓનલાઈન કરવામાં આવ્યું છે. જેથી આપ સૌ નવનિયુક્ત મંત્રીશ્રીઓ આ એપ્લિકેશનનો ઉપયોગ વિશે વધુ માહિતગાર બનો અને વિધાનસભાની કામગીરી વધુ સરળ બનાવી શકો તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 

‘વન નેશન વન એપ્લિકેશન’ની વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીની કલ્પના મુજબ ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતે મક્કમ પગલું ભરી વિધાનસભા સત્રની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી છે. આગામી ૧૫મી વિધાનસભાના આઠમાં સત્રમાં નવનિયુક્ત મંત્રીશ્રીઓ નેવા એપ્લિકેશનના માધ્યમથી પોતાની કામગીરીના જવાબો પેપરલેસ આપી શકે તે અંગેની સુદ્રઢ વ્યવસ્થા આ એપ્લિકેશન મારફતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે    નવનિયુક્ત મંત્રીશ્રીઓને શક્ય એટલા ઓછા શબ્દોમાં પોતાના પ્રશ્નોનો જવાબ આપવા સુચન કર્યું હતું. 

આ તાલીમ દરમિયાન નવનિયુક્ત મંત્રીશ્રીઓએ નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન થકી થનાર અલગ અલગ કામગીરીની બારીકાઇથી માહિતી મેળવી હતી. આ ઉપરાંત એપ્લિકેશન મારફતે વિધાનસભા કાર્યવાહી સંલગ્ન એલ.એ.ક્યુ સહિતની વિવિધ પ્રક્રિયા કેવી રીતે કરવી તેની સવિસ્તૃત માહિતી મેળવી હતી. 

આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, કુંવરજીભાઈ બાવળિયા, નરેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણભાઈ સોલંકી તથા રાજ્યકક્ષામંત્રી ઈશ્વરસિંહ પટેલ, ડૉ મનીષાબેન વકીલ, રમેશભાઈ કટારા, દર્શનાબેન વાઘેલા, ડૉ જયરામભાઇ ગામીત, ત્રિકમભાઈ છાંગા, કમલેશભાઈ પટેલ, પૂનમચંદ બરંડા, સ્વરૂપજી ઠાકોર તેમજ વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા, વિધાનસભાના અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:25 PM IST)