News of Tuesday, 10th February 2026
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કલેક્ટરની મંજૂરી વગર મતદાન મથકોવાળા સરકારી મકાનો તોડી પાડવા પર રાજ્ય ચૂંટણી આયોગનો સખત પ્રતિબંધ
ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ન ઊભી થાય તે હેતુથી શિક્ષણ વિભાગ હેઠળની શાળાઓ કે કચેરીઓના મકાનો 'કન્ડમ' જાહેર કરતા કે તોડતા પહેલા જિલ્લા ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી લેવી હવેથી અનિવાર્ય

ગાંધીનગર : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની એકમોની સામાન્ય, મધ્યસત્ર કે પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા શિક્ષણ વિભાગના અગ્ર સચિવને પાઠવવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, મતદાન મથક તરીકે ઉપયોગમાં લેવાતા કોઈપણ સરકારી મકાનોને કલેક્ટરની મંજૂરી વિના તોડી શકાશે નહીં.
બંધારણીય જોગવાઈઓનો હવાલો
આ પત્રમાં જણાવ્યા અનુસાર, ભારતના બંધારણના અનુચ્છેદ ૨૪૩(વક) તથા ૨૪૩(ઝ) હેઠળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું સંચાલન કરવાની સંપૂર્ણ જવાબદારી રાજ્ય ચૂંટણી આયોગની રહેલી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, જિલ્લા કલેક્ટર (DEO) દ્વારા આયોગની પૂર્વ મંજૂરી મેળવીને નિયમોને આધીન રહી વિવિધ વિસ્તારોમાં મતદાન મથકો નક્કી કરવામાં આવતા હોય છે.
સમસ્યા અને નવો નિર્ણય
સામાન્ય રીતે આ મતદાન મથકો શિક્ષણ વિભાગ અથવા અન્ય સરકારી વિભાગોની માલિકીના મકાનોમાં કાર્યરત હોય છે. આયોગના ધ્યાને આવ્યું છે કે, કેટલાક કિસ્સાઓમાં જે મકાનોને મતદાન મથક તરીકે નિયત કરવામાં આવ્યા હોય, તેને સંબંધિત જિલ્લા કલેક્ટરની જાણ કે અનુમતિ વગર જ તોડી પાડવામાં આવે છે અથવા 'કન્ડમ' (વપરાશ અયોગ્ય) જાહેર કરી દેવામાં આવે છે. આવી પ્રવૃત્તિને કારણે ચૂંટણી સમયે મતનામ મથકોની વ્યવસ્થામાં ભારે અડચણો ઊભી થાય છે.
કલેક્ટરની મંજૂરી હવે ફરજિયાત
આ પરિસ્થિતિને ટાળવા માટે આયોગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે:
* શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) હેઠળની જે કચેરીઓ કે મકાનોમાં મતદાન મથકો નક્કી થયેલા છે, તેને તોડતા પહેલા પરવાનગી લેવી.
* કોઈપણ મકાનને 'કન્ડમ' કરતા પૂર્વે સંબંધિત શહેર કે જિલ્લાના મ્યુનિસિપલ/જિલ્લા ચૂંટણી અધિકારી (સ્થાનિક સ્વરાજ્ય) અને જિલ્લા કલેક્ટરની લેખિતમાં પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.
આ અંગે તાત્કાલિક અસરથી તમામ તાબાના જિલ્લાના અધિકારીઓને કડક સૂચના આપવા માટે શિક્ષણ વિભાગને તાકીદ કરવામાં આવી છે, જેથી ભવિષ્યની ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ભૌતિક અવરોધ ન આવે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
