<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ગુજરાત સરકાર અને એલન મસ્કની સ્ટારલિંક વચ્ચે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર : એલન મસ્કે મુખ્યમંત્રીના ટ્વીટને રિટ્વીટ કરી આ સહયોગને આવકાર્યો

રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન : એલન મસ્કે ભૂપેન્દ્રભાઈ પટેલના ટ્વિટને કર્યુ રિટ્વિટ : શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન સેવાઓ વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવામાં આવશે

અમદાવાદ તા.૧૦

ગુજરાત સરકાર અને એલન મસ્કની સ્ટારલિંક વચ્ચે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર થયા છે. એલન મસ્કે મુખ્યમંત્રીના ટ્વીટને રિટ્વીટ કરી આ સહયોગને આવકાર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન સેવાઓ વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવામાં આવશે.

ગુજરાત સરકારે રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને મજબૂત કરવાની દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  ના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ એલન મસ્કની માલિકીની કંપની 'સ્ટારલિંક' વચ્ચે સહયોગ માટેના લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીને એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મુખ્યમંત્રીના ટ્વીટને રિટ્વીટ કરીને ઉમળકાભેર આવકારી છે, જે વૈશ્વિક ફલક પર ગુજરાતની વધતી જતી પ્રતિષ્ઠા દર્શાવે છે.

ડિસેમ્બર 2025 માં યોજાયેલી પ્રારંભિક બેઠકોમાં તૈયાર થઈ હતી. સ્પેસેક્સ ના વાઈસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે થયેલી ફળશ્રુતિ સમાન આ પ્રોજેક્ટ હવે સાકાર થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ડિજિટલ ઇન્ડિયા'  ના સંકલ્પને સાકાર કરવાના લક્ષ્યાંક સાથે આ આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના ખૂણેખૂણે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનો છે.

અંતરિયાળ વિસ્તારોમાં ઈ-સેવાઓ ઝડપી બનશે

 

આ ટેકનોલોજીના આગમનથી ગુજરાતના અંતરિયાળ (Remote Areas) અને આદિવાસી વિસ્તારો માં ઈ-સેવા અત્યંત ઝડપી બનશે. સ્ટારલિંકના સેટેલાઇટ ઇન્ટરનેટ દ્વારા રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો , સરકારી શાળાઓ  અને ટેલી-મેડિસિન સેન્ટર્સને હાઇ-સ્પીડ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. આ સુવિધાથી ખાસ કરીને એવા વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધરશે જ્યાં પરંપરાગત ફાઇબર ઓપ્ટિક્સ પહોંચાડવું મુશ્કેલ છે.

 

    

કુદરતી આફતો સમયે પણ મળશે સહયોગ

 

માત્ર સેવાઓ જ નહીં, પણ આપત્તિ વ્યવસ્થાપન  ક્ષેત્રે પણ આ સહયોગ સીમાચિહ્નરૂપ સાબિત થશે. કુદરતી આફતોના સમયે જ્યારે અન્ય સંચાર માધ્યમો નિષ્ફળ જાય છે, ત્યારે સેટેલાઇટ ઇન્ટરનેટ રાહત અને બચાવ કામગીરીમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવશે. આ સમગ્ર પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સરકાર દ્વારા એક 'જોઈન્ટ વર્કિંગ ગ્રુપ' ની રચના કરવામાં આવશે, જે બંને પક્ષો વચ્ચે ટેકનિકલ અને વહીવટી સંકલન સુનિશ્ચિત કરશે. આમ, ગુજરાત હવે ડિજિટલ યુગમાં એક નવી ઊંચાઈ સર કરવા સજ્જ બન્યું છે

(5:03 PM IST)