તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
કાલે ગુજરાતમાં ૨૫ હજાર બેંક કર્મચારીઓ જોડાશે હડતાળમાં
રાજ્યમાં આશરે ૧૫૦૦૦ કરોડ રૂપિયાના ચેક ક્લિયરિંગ અને અન્ય નાણાકીય વ્યવહારો અટવાશે

અમદાવાદ,તા.૧૧: ગુજરાતના બેંકિગ ક્ષેત્રમાં આગામી દિવસોમાં મોટી હલચલ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારની શ્રમ નીતિઓ અને બેંકિગ ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં વિવિધ ટ્રેડ યુનિયનોએ કાલે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળને કારણે સામાન્ય જનતાના રોજિદા બેંકિગ કાર્યો અને વેપારીઓના વ્યવહારો પર મોટી અસર પડવાની શક્યતા છે.
આ હડતાળમાં ગુજરાતના અંદાજે ૨૫ હજાર જેટલા બેંક કર્મચારીઓ અને અધિકારીઓ જોડાવાના છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સિવાયની લગભગ તમામ સરકારી બેંકો તેમજ ફેડરલ અને કર્ણાટકા બેંકના કર્મચારીઓ કામકાજથી અળગા રહેશે. અંદાજ મુજબ, એક જ દિવસની આ હડતાળને કારણે રાજ્યમાં આશરે ૧૫૦૦૦ કરોડ રૂપિયાના ચેક ક્લિયરિગ અને અન્ય નાણાકીય વ્યવહારો અટવાઈ શકે છે. આર્થિક પાટનગર અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં તેની વ્યાપક અસર જોવા મળશે.
હડતાળ પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા ૨૯ જૂના શ્રમ કાયદાઓને બદલીને લાવવામાં આવેલા ૪ નવા ‘લેબર કોડ' છે. ટ્રેડ યુનિયનોનો આક્ષેપ છે કે આ નવા કાયદાઓથી મજૂર વર્ગના વર્ષો જૂના અધિકારો છીનવાઈ જશે. નવા નિયમો મુજબ માલિકોને કર્મચારીઓની છટણી કરવાની અને તાળાબંધી કરવાની વધુ સત્તા મળશે, જેનાથી કામદારોનું શોષણ વધશે. આ ઉપરાંત, યુનિયનો ચલાવવા અને હડતાળ કરવા જેવી લોકશાહી પ્રક્રિયાઓ પણ મુશ્કેલ બની જશે, જે યુવાનોના ભવિષ્ય માટે જોખમી ગણાવાઈ રહ્યું છે.
શ્રમ કાયદાઓ ઉપરાંત, બેંક કર્મચારીઓ લાંબા સમયથી ચાલી આવતી ‘૫ દિવસનું બેંકિગ' (5 Day Banking) કરવાની માંગ પર પણ અડગ છે. બીજી તરફ, બેંક સંચાલકો કામના કલાકો વધારવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે. યુનિયનો IDBI બેંકના વેચાણ અને રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના સરકારના પ્રયાસોનો સખત વિરોધ કરી રહ્યા છે. INTUC, AITUC અને CITU સહિતના ૧૦ મોટા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો આ લડતમાં એકસાથે જોડાયા છે, જેના કારણે આગામી ગુરુવારે બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે પ્રભાવિત થશે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
