<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રાજ્‍યમાં દર બે મિનિટે ૨૯ ઓનલાઈન ટ્રાફિક ચલણ ઈશ્‍યૂ થઈ રહ્યા છે

પરિવહન પોર્ટલ પર એક જ વર્ષમાં ચલણી સંખ્‍યા બમણી થઈઃ જાન્‍યુઆરીમાં જ ૬.૮૯ લાખ ઓનલાઈન ચલણ ફાડવામાં આવ્‍યા : રાજ્‍યમાં આ વર્ષના અંત સુધીમાં ઓનલાઈન ચલણનો આંકડો એક કરોડને પાર થઈ શકે છે

અમદાવાદ,તા.૧૧: ગુજરાતમાં ઘણા લોકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરે છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલીસ ડિજિટલ રીત અપવનાવી રહી છે. રાજ્‍યમાં દર બે મિનિટે ૨૯ ઓનલાઈન ટ્રાફિક ચલણ ઈશ્‍યૂ કરવામાં આવે છે. પરિવહન પોર્ટલ પર એક જ વર્ષમાં ચલણી સંખ્‍યા બમાણી થઈ છે. આ આંકડો માત્ર વધતા જતા ટ્રાફિક ઉલ્‍લંઘનો જ નહીં, પરંતુ ટેકનોલોજી આધારિત પોલીસિગના ઝડપી વિસ્‍તારને પણ દર્શાવે છે.

મળતી વિગત પ્રમાણે, માત્ર જાન્‍યુઆરી મહિનામાં જ ૬.૮૯ લાખ ઓનલાઈન ચલણ ફાડવામાં આવ્‍યા હતા. દૈનિક ૨૨,૨૩૯ ચલણ ઈશ્‍યૂ કરવામાં આવ્‍યા હતા. આ આંકડો ૨૦૨૫ની દૈનિક સરેરાશ ૨૦,૯૪૮ કરતા ઘણો વધારે છે. આ ઉપરાંત ૨૦૨૪ની સરેરાશ ૧૦,૬૫૬ કરતાં તો લગભગ બમણો છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ, રાજ્‍યમાં રાષ્ટ્રીય પરિવહન પોર્ટલનો સંપૂર્ણ અમલ થવાથી ડેટાનું સેન્‍ટ્રલાઈઝેશન થયું છે. જેના કારણે મોટો ઉછાળો જોવા મળ્‍યો છે. આ આંકડામાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્‍થળ પર વસૂલવામાં આવતાં દંડનો સમાવેશ થતો નથી. તેથી વાસ્‍તવિક દંડની રકમ આ આંકડાઓ કરતા પણ ઘણી મોટી છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, RTO અને ટ્રાફિક પોલીસ હવે ઇલેક્‍ટ્રોનિક અમલીકરણ તરફ વળી છે. CCTV કેમેરા, સ્‍પીડ ગન અને હેન્‍ડહેલ્‍ડ ડિવાઇસ દ્વારા હવે રિયલ ટાઇમમાં ઉલ્‍લંઘન પકડવામાં આવે છે, જેનાથી મેન્‍યુઅલ ચેકિગ પર નિર્ભરતા ઘટી છે. કોમર્શિયલ વાહનોમાં ઓવરલોડિગ સૌથી સામાન્‍ય ગુનો છે, ત્‍યારબાદ ઓવરસ્‍પીડિગનો નંબર આવે છે.

આ પરિવર્તનની અસર શહેરી વિસ્‍તારોમાં સ્‍પષ્ટ દેખાય છે. એકલા અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ૪૦.૨ લાખ સ્‍થળ પરના ચલણ ફાડવામાં આવ્‍યા હતા, જેમાં વાહનચાલકોએ રૂ.૨૬૨.૬ કરોડનો દંડ ચૂકવ્‍યો હતો. હેલ્‍મેટ વગર વાહન ચલાવવામાં સૌથી વધુ રૂ.૧૩૪.૪ કરોડનો દંડ વસૂલાયો હતો, ત્‍યારબાદ રોંગ સાઈડ ડ્રાઇવિગ (રૂ.૩૬.૩ કરોડ) અને ગેરકાયદે પાર્કિગ (રૂ.૩૪.૭ કરોડ) આવે છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં પરિવહન વેબસાઇટ પર નોંધાયેલા ચલણોની સંખ્‍યામાં લગભગ ૯૬ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૩માં આ સંખ્‍યા માત્ર ૧૨.૧૬ લાખ હતી, જે ૨૦૨૫માં વધીને ૭૬.૪૬ લાખ થઈ ગઈ છે  જે દર્શાવે છે કે ડિજિટલ પોલીસિગ કેટલી ઝડપથી વિસ્‍તરી રહ્યું છે.

આ વ્‍યવસ્‍થા હવે માત્ર મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી. નાના નગરોમાંથી પસાર થતા હાઈવે પણ હવે CCTV સર્વેલન્‍સ હેઠળ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ જેવા મહાનગરોમાં કેમેરા લગાવેલા છે, જે ૨૪ કલાક મોનિટરિગ કરે છે. સૂત્રો મુજબ, વાહનોની વધતી સંખ્‍યા અને ટ્રાફિક જામને કારણે ચલણની સંખ્‍યા હજુ વધશે. જો જાન્‍યુઆરીની આ જ ગતિ ચાલુ રહેશે, તો ગુજરાત આ વર્ષે ૧ કરોડ ઓનલાઈન ચલણનો આંકડો પાર કરી શકે છે.(૪૦.૩૭)

(11:06 AM IST)