News of Wednesday, 11th February 2026
આણંદમાં લગ્નનો મંડપ રણમેદાનમાં ફેરવાયો:જાનૈયાઓ ચ્ચે છુટા હાથની મારામારી : ચારથી વધુ લોકો ઘાયલ
સામરખા ચોકડી નજીક જવાહર નગરમાં ચુનારા સમાજમા લગ્ન હતા: ધંધુકાથી આવેલી જાન સાથે લગ્ન વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતા મારામારી થઈ

આણંદ શહેરમાં લગ્નનો મંડપ રણમેદાનમાં ફેરવાયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જાનૈયાઓ વચ્ચે છુટા હાથની મારામારી થતા ચારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરની સામરખા ચોકડી નજીક આવેલ જવાહર નગરમાં ચુનારા સમાજમા લગ્ન હતા. ધંધુકાથી આવેલી જાન સાથે લગ્ન વચ્ચે અગમ્ય કારણસર બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતા મારામારી થઈ હતી.
વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો લાંબા લાકડા સાથે અન્ય લોકો પર તૂટી પડ્યા હતા જે કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે જાનમાં હાજર બીજા કેટલાક લોકો લગ્ન વચ્ચે અચાનક ફાટી નીકળેલા આ યુદ્ધને કાબૂમાં લેવા માટે દોડાદોડી કરી રહ્યા હતા. આસપાસના લોકો પણ આ દૃશ્ય જોઈ ભયમાં ગરકાવ થઈ ગયા હતા.
આ મારામારીમાં લાકડાના ડંડા લઈને એકબીજા સામે જામી પડતા 4થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ આણંદ ટાઉન પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આણંદ ટાઉન પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી વર કન્યા અને પરિવારને સમજાવી મામલો થાળે પાડયો હતો. લગ્ન બાદ વર કન્યા મંડપથી પોલીસ મથક પોહચ્યા હતા. પોલીસ મથકથી સમજાવટ બાદ કન્યાની વિદાય પોલીસ મથકેથી થઈ હોવાની હાલ માહિતી મળી રહી છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
